રશિયા યુક્રેન યુદ્ધને અઠવાડિયુ થઈ જવા છતાં પણ સતત ચાલી રહ્યું છે. ત્યારે રશિયાના હુમલા વચ્ચે જીવ બચાવી ભારતીયો પોતાના વતન આવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. એવામાં સમચાર સામે આવ્યા છે કે યુક્રેન બોર્ડર પર ભારતીયો વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. યુક્રેન બોર્ડર પર ભારતીયોને વોશરૂમનો યુઝ પણ નથી કરવા દેતા.
યુક્રેનમાં ફસાયેલી ગુજરાતની દીકરીઓ આપવીતી જણાવી રહી છે. વડોદરાની બે જુડવા બહેનો ડિંકી અને ડોલી અભ્યાસ કરવા માટે યુક્રેન ગઈ હતી. તેઓ જણાવે છે કે અમે યુક્રેનની બહાર નીકળવા માટે ટ્રેનમાં ઊભા રહીને 10 કલાકની મુસાફરી કરી છે. બોર્ડર પર યુક્રેનના લોકો ભારતીયોને વોશરૂમનો યુઝ પણ નથી કરવા દેતા. કેટલાક કેફેમાં તો જમવાનું આપવાની પણ ના પાડવામાં આવે છે.
બંને જોડિયા બહેનો જણાવે છે કે અહી ભારતીયો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ભારતીય એમ્બેસી દ્વારા કિવ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી અમે સામાન છોડીને નીકળી ગયા છીએ. પરંતુ બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓને ધક્કા મારવામાં આવે છે. કેટલીકવાર ડરાવવા માટે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવે છે. હવે અને રોમાનિયા આવી ગયા છીએ. અમે જમવાનું ન મળવાને કારણે બોર્ડર પર 24 કલાક ભૂખ્યા રહ્યા હતા. અહી ખુબજ ખરાબ પરિસ્થિતિ છે. અમે જલ્દીથી વતન પરત આવવા માંગીએ છીએ.