રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે અનેક ધંધામાં નાની મોટી અસર જોવા મળી રહી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પણ યુદ્ધની આ સ્થિતિને લઈને થોડી ચિંતામાં આવી છે.
સુરતને ડાયમંડ નગરી કહેવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં પણ ડાયમંડનો ઉદ્યોગ મહત્વનો રહ્યો છે. ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશમાં 30 ટકા રફ હીરાની આયાત રશિયાથી થઇ રહી છે અને 70 ટકા કચોમાલ આવતો બંધ થયો છે. ગુજરાતી હીરાના વેપારીઓ દ્વારા નિયંત્રિત લગભગ દસ મહત્વના હીરા ઉદ્યોગો રશિયામાં કાર્યરત છે.
યુદ્ધ સંકટના પરિણામે હાલ ભારતને પોલિશ્ડ હીરાના પુરવઠાને અસર થશે. યુદ્ધ વિરામ નહીં થાય ત્યાં સુધી કાચોમાલ આવવાની કોઈ શક્યતા નથી. કાચો માલ પૂરતો ન મળવાને કારણે હીરાના વેપારીઓ ચિંતામાં આવી ગયા છે. અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના ઉપપ્રમુખ મગનભાઈ પટેલ ચિંતા વ્યક્ત કરતાં જણાવે છે કે હું હીરા બજારમાં 32 વર્ષથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલો છું.
તેઓ કહે છે કે છેલ્લા બે મહિનામાં ક્યારેય નહોતી જોવા મળી એવી તેજી જોવા મળી હતી. તેની પાછળનું મુખ્ય કારણ હતું ભારતના મુખ્ય કારખાનેદારો દુનિયાના દેશોમાંથી કાચો માલ લાવતા. તેવી રીતે રશિયાથી પણ કાચો માલ લાવતા. રશિયામાં રહેતા ભારતીયોને યુદ્ધ થવાનો અણસાર આવી ગયો હતો. તેમને એ પણ ખ્યાલ હતો કે જો યુદ્ધ થશે તો રશિયાથી માલ આવતો બંધ થઈ જશે.
તેઓ વધુમાં જણાવે છે કે બે વર્ષ સુધી માલ નહીં આવે. એટલે ભારતના મોટા વેપારીઓ જે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે તે વેપારીઓને રશિયાથી જે કિંમતે માલ મળતો હતો તે લઈ લીધો. જેથી કરીને જો યુદ્ધ લાંબું ચાલે તો તેના બિઝનેસ પર અસર ન થાય.
પરંતુ તેઓએ જે માલ લીધો હતો તે કાચા માલમાંથી હીરા તૈયાર થઈને આવતા તે મોંઘા પડતા હતા. તેથી તેઓએ એક શાણપણ વાપરી કે ભારતના બજારમાં જે કાચો માલ સસ્તો મળતો હતો તે લઈને સ્ટોક કરી લીધો. હવે જ્યારે જ્વેલર્સ બજારમાં હીરાની માંગ ઊભી થશે ત્યારે જે વેપારીઓએ ઊંચી કિંમતે માલ ખરીદ્યો હતો તે પણ વેચવા કાઢશે.
હાલમાં હીરા સહિતના દરેક માલમાં 40 ટકા વધારો થઇ ગયો છે અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવમાં પણ વધારો થશે. રશિયા યુક્રેનના યુદ્ધને કારણે અન્ય દેશોની સાથે સાથે ભારતને પણ માઠી અસર થશે. રશિયાથી હીરાનો કાચો માલ ભારત આવતો હતો. પરંતુ હાલ યુદ્ધ છેડાતાં હીરા વેપારીઓને ફટકો લાગશે.