રસ્તા પર બેસતા ભિખારીઓ પોતે ભૂખ્યા છે તેવું કહીને મદદ માંગતા હોય છે. જેથી લોકો તેને પૈસા આપીને મદદ કરતા હોય છે. ત્યારે કોઈ ભિખારીના ઘરમાંથી લાખો રૂપિયા મળવાના સમાચાર આવતા કોઈપણ ચોંકી જ જાય. જે સ્ત્રી આખી જિંદગી ભિખારીની જેમ જીવતી હતી અને ફાટેલા જૂના કપડાં પહેરતી હતી તેના ઘરમાંથી જો આટલા બધા પૈસા નીકળે તો આંચકો લાગે.
તૂટેલા ઘાસના ઘરમાં રહેતી એક મહિલાના મોતના પાંચ દિવસ બાદ જ્યારે સ્થાનિકોએ ઘાસની ઝૂંપડીમાં સામાન ચેક કર્યો તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તે ઘાસની ઝૂંપડીમાં ત્રણ પેટી હતી. સ્થાનિકોની નજર પડતા તેમણે આ બધી પેટી ખોલીને જોયું તો તેમાં પૈસા જોવા મળ્યા. બધી જ પેટીમાં પૈસા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો છે. ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુરમાં એક મહિલા ઘાસની ઝૂંપડીમાં રહેતી હતી. થોડા દિવસ પહેલા જ તેનુ અવસાન થયુ હતુ. મહિલાના અંતિમ સંસ્કાર કર્યા બાદ જ્યારે તેમના પાડોશીઓએ મહિલાના ઘરમાં તપાસ કરી તો ત્યાં ત્રણ પેટી મળી આવી હતી.
પાડોશીઓએ જ્યારે પેટી ખોલી તો તે સ્તબ્ધ થઈ ગયાં. તેમાં લાખો રૂપિયા હતા. આ વાતની જાણ આ મહિલાના પુત્ર બાબુ મહંતોને પણ કરવામાં આવી હતી. પુત્ર પરિવારથી અલગ રહેતો હતો. માતાના મૃત્યુ બાદ તેઓ અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. પરંતુ તેમને પોતે પણ ખબર નહોતી કે તેમની માતા લાખોપતિ છે.
જયારે લોકોએ ઝૂંપડીમાં તપાસ કરી અને પૈસા ભરેલી પેટી જોવા મળી ત્યારે તેમણે તુરંત તેના પુત્રને બોલાવીને આ અંગે જાણ કરી. પુત્ર બાબુ મહંતોએ કહ્યું કે આ પૈસા વૃદ્ધ માતાના નામે બેંકમાં જમા કરવામાં આવશે. આ ધનનો ઉપયોગ વૃદ્ધ માતાના શ્રાદ્ધ અને દાન પુણ્યના કાર્યમાં કરવામાં આવશે.