ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી, આ તારીખે થઈ શકે છે વરસાદ

Weather

ગુજરાતમા ઉનાળાની શરૂઆતમાં જ ખુબ ગરમીનો અહેસાસ થયો રહ્યો છે. જો કે રાત્રે હજુ પણ ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની આગાહી આપવમાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાના સમચાર આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણ શિયાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની શરુઆતથી જ અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડીગ્રીનો ઘટાડો થયો હતો. જો કે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા બાદ 15 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડીગ્રી અને લઘુતમ તાપમાન 21 ડીગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડીગ્રી વધી 36-37 ડીગ્રીએ પહોંચી શકે છે. જોકે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતાં તાપમાન વધી રહ્યું છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા છે. ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ ખુબ વધશે.

જો કે હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે જેને કારણે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેથી એપ્રિલ માસમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. જો કે વાતાવરણમાં ફેરફાર થતા આગાહી ખોટી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.