ગુજરાતના આ દંપતીએ લગ્ન બાદ ફરવા જવાને બદલે વિકલાંગ બાળકો માટે વાપર્યા રૂપિયા, આજે વિકલાંગ બાળકોની સેવા કરવા માટે નોકરી પણ છોડી દીધી

Story

આપણે જોઈએ છીએ કે સમાજમાં દરેક વ્યક્તિ લગ્ન પછી ક્યાંકને ક્યાંક ફરવા જાય છે. પરંતુ ઉપલેટાનું આ એક એવું દંપતી છે કે જે પોતાના લગ્ન પછી બહાર ફરવા જવાને બદલે તેણે સેવાનું કામ શરૂ કર્યું. તેમના કામની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લહન બાદ ફરવા તો બધા જાય પણ અમારા દિલમાં ખોટો ખર્ચ કરવાને બીજાને મદદ કરવાની મંશા હતી.

આ દંપતી ગુજરાતના ઉપલેટા તાલુકાના વતની છે. આ દંપતીનું નામ કિરણ પીઠિયા અને રમેશ પીઠિયા છે. આ દંપતીએ લગ્ન પછી ફરવા જવાને બદલે જે બાળકોના માતા-પિતા આર્થિક રીતે નબળા હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા બાળકોની સારસંભાળ રાખવાનું નક્કી કર્યું. આ સાથે સાથે વિકલાંગ બાળકોની સેવા કરવાનું પણ શરૂ કર્યું હતું. આ દંપતી હંમેશાથી દિવ્યાંગ લોકો પ્રત્યે ખુબ જ વિશેષ સહાનુભૂતિ દાખવે છે.

રમેશ પીઠિયા સ્પેશિયલ એજ્યુકેટર છે. તે ઉપલેટાની એક સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. કિરણ પણ એક ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી હતી. કિરણ હંમેશાથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે કંઈક કરવા માંગતી હતી. તેથી તેણે 25 વર્ષની ઉંમરે તેના પતિ સાથે તેમના ગામની આજુબાજુના વિસ્તારમાં રહેતા બાળકોને મદદ કરવાની શરૂ કરી હતી.

કિરણે જણાવ્યું હતું કે નાનપણથી જ તે તેના વિકલાંગ ભાઈ સાથે મોટી થઈ હતી. તેથી તે બધી જ વાતોને સારી રીતે જાણતી હતી અને સમજતી પણ હતી. તેથી કિરણે એક સંસ્થા બનાવવાનું નક્કી કર્યું એટલે તેણે પોતાની નોકરી છોડી દીધી. કિરણે માત્ર દસ બાળકોથી આ સંસ્થાની શરૂઆત કરી. હાલમાં આ સંસ્થામાં 27 વિકલાંગ બાળકો છે.

કિરણને શરૂઆતમાં આ સંસ્થાને ચલાવવા માટે દર મહિને પચાસ હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો. કિરણે આ બાળકો માટે એક ઘર પણ ભાડે લીધું અને બાળકો માટે મૂળભૂત સુવિધાઓ પણ બનાવી છે. શરૂઆતમાં કિરણ માટે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. છતાં પણ તેણે હિંમત હાર્યા વગર દિવ્યાંગોની સેવા કરવાની શરૂ રાખી હતી. આ સંસ્થાનું નામ દિવ્ય જ્યોત દિવ્યાંગ રાખવામાં આવ્યું.

કિરણે આ સંસ્થામાં બીજા બે થી ત્રણ લોકોને પણ સેવા માટે રાખ્યા હતા. કિરણ પણ 24 કલાક સેવા માટે ત્યાં હાજર રહે છે. કિરણ હાલમાં તેના છ વર્ષના દીકરાની સાથે સાથે દિવ્યાંગ લોકોની સારસંભાળ રાખીને સેવાનું કામ કરે છે. આ દંપતીનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. લોકો તેના સુંદર કાર્યને બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.