આપણે જોયું છે કે માણસ નશો કરે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે જાનવરે ક્યારેય નશો કર્યો હોય? જી હા આ હકીકત છે. રાજસ્થાનમાં પક્ષીઓ અને નીલગાય અફીણના ખેતરોમાં આવી નશો કરે છે. ખેતરના માલિક તેને ભગાડે છે. પરંતુ આ જાનવરોને નશાની એવી લત લાગી ગઈ છે કે તે કોઈપણ રીતે ખેતરમાં ઘૂસી જાય છે.
અફીણ લોકપ્રિય માદક દ્રવ્યો તરીકે જાણીતું છે. દેશમાં અફીણનો ઉપયોગ કાનૂની દવાઓના વેપાર માટે થાય છે. મોર્ફિન, લેટેક્સ, કોડીન અને પેનાન્થ્રિન તેના બીજમાંથી ઉત્પન્ન થાય છે. તે શક્તિશાળી આલ્કલોઇડ્સના સ્ત્રોત છે. તેના બીજમાં ઘણા રાસાયણિક તત્વો જોવા મળે છે. જે વ્યસનકારક છે.
રાજસ્થાનના ભીલવાડા, ચિતૌડગઢ અને પ્રતાપગઢમાં અફીણની ખેતી થાય છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી લઈને માર્ચ સુધી અફીણના છોડમાંથી નીકળતાં બીજમાં ચીરો લગાવવામાં આવે છે. આ દિવસોમાં પોપટ છોડની દાંડી તોડી બીજી જગ્યાએ લઈ જઈને ખાય છે. પોપટ સિવાય રાતના સમયે નીલગાય પણ છોડને ખાઈને કિનારે બેસી જાય છે.
ખેડૂતો ઘંટડી વગાડી તેમને ઉડાવવાનો પ્રયત્ન કરે છે. તેમ છતા પોપટ ફરી પાછા આવીને છોડ પર બેસી જાય છે. ખેડૂતોએ જાનવરોના ત્રાસથી આખા ખેતરને પેક કરી દીધું છે. તેમ છતાં નશાની લતના કારણે જાનવરો કોઈપણ રીતે ખેતરમાં ઘૂસી જાય છે. પાકને બચાવવા માટે ખેડૂતો 24 કલાક ચોકીદારી કરે છે. ખેડૂતો આ જાનવરોના કારણે હેરાન થઇ રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે તે ફક્ત જાનવરોના કારણે જ નહીં પરંતુ પેદાશમાં થતાં ઘટાડાને કારણે હેરાન થઇ રહ્યા છે. ખેડૂતોને વિભાગ તરફથી અફીણના પાક માટે નાર્કોટિક્સ બ્યૂરો લાઇસન્સ આપે છે. નિશ્ચિત માત્રામાં પેદાશ કરી અફીણ સરકારને જમા કરાવવાનું હોય છે. અફીણ ખૂટવા પર મોંઘી કીમતોમાં ખરીદીને એને જમા કરાવવું પડે છે. પાક પરથી અફીણનું દૂઘ પશુ પક્ષીઓ દ્વારા ચાટી લેવાને કારણે પેદાશમાં ઘટાડો થાય છે.
ભીલવાડાના 4291 ખેડૂતને અફીણની ખેતી માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન લાઇસન્સ આપતા સમયે ખેડૂતો સામે શરત રાખવામાં આવી હતી કે તેમની ઊપજ 4.2 કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી ઓછી ન હોય. તેથી જો જાનવરો અફીણનું દૂધ ચાટી લે તો તેની ઉપજ ઓછી આવે તેથી ખેડૂતો હેરાન થઈ ગયા છે.