વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ, એસપી સહિત 150 પોલીસની ટીમે યુવતીને ગળા પર ચપ્પુ રાખેલ પ્રેમી યુવકથી બચાવી

Gujarat

સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કાંડ બાદ ફરી એક એવી જ ઘટના સામે આવી છે. વલસાડના પારડી ગામનો એક યુવક યુવતીના ગળે ચાકુ રાખી તેને જંગલ તરફ લઈ ગયો. પરંતુ વલસાડના પોલીસે તે યુવતીનો બચાવ કર્યો. વલસાડ જિલ્લાના એસપીએ 150 સહ કર્મચારીઓની સાથે તે યુવતીનો બચાવ કર્યો હતો.

વલસાડના એસપી ડૉ રાજદીપ ઝાલા પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક તેમને એક કોલ આવ્યો હતો. જે પારડી તાલુકાના પારિયા ગામની ઘટના વિશે હતો. તેમના જણાવ્યા પ્રમાણે પારિયા ગામનો એક યુવક પોતાના મામાની દીકરીના ગળે ચાકુ રાખીને યુવતીને જંગલ વિસ્તાર તરફ લઈ ગયો હતો.

માહિતી મળતા જાણવા મળ્યું કે પારિયા ગામના સુનીલ પટેલને અનેક પ્રકારની માનસિક બીમારી છે. આ પહેલા પણ સુનીલે એક વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અગાઉ અનેક વખત પોતાના પરિવારના સભ્યો પર હુમલો પણ કર્યો હતો. ત્યારબાદ હાલ તે આ યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.

સુનીલ પોતાના મામાની સગીર વયની દીકરી સાથે પ્રેમ લગ્ન કરવા માંગતો હતો. એક તો પોતાની દીકરી સગીર વયની હતી ઉપરથી સુનીલની માનસિક બીમારીની જાણ તેના મામાને હોવાથી તેઓ પોતાની દીકરીના લગ્ન સુનીલની સાથે કરવા માટે તૈયાર ન હતા. ઉપરાંત દીકરી પણ આ માટે તૈયાર ન હતી.

આથી ગુસ્સે થયેલો સુનીલ બપોરના 1 વાગ્યે મામાના ઘરે ચાકુ તથા કુહાડી લઈને પહોંચ્યો હતો. આ સમયે જે કોઈ રસ્તામાં આવે તેના ઉપર તે કુહાડી વડે હુમલો કરતો હતો. આ રીતે તે મામાના ઘરે પહોંચ્યો અને ત્યાંથી મામાની સગીર વયની દીકરીના ગળે ચાકુ રાખીને તેને જંગલની તરફ લઈ ગયો હતો.

આ જાણકારી ગ્રામજનો દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. તે સમયે પારડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સગીરાને બચાવવા ગયા. પરંતુ તે ન મળતા વલસાડ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો હતો. આ બાબતે તમામ માહિતી વલસાડના એસપી સાહેબને આપવામાં આવી હતી.

ત્યારબાદ વલસાડના એસપી 150 પોલીસના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સુનીલને શોધવાની શરૂઆત કરી હતી. જંગલની ઊબડખાબડ જમીનની વચ્ચે સુનીલ વારે વારે પોતાનું સ્થાન ફેરબદલ કરતો હતો. ઉપરાંત ધમકી આપતો હતો કે જો કોઈ નજીક આવશે તો તે સગીરાને મારી નાખશે.

તાજેતરમાં સુરતમાં ગ્રીષ્માની સાથે જે ઘટના બની તે જોઈને વલસાડ પોલીસ કોઈ ભૂલ કરવા માંગતી ન હતી. તેથી તેમણે પહેલા કેટલા લોકો છે તે જાણ્યું. ત્યારે જાણવા મળ્યું કે સુનીલની સાથે તેનો એક મિત્ર પણ છે જે તેને બધી માહિતી આપી રહ્યો છે. તેથી પોલીસે ગામના સરપંચને મધ્યસ્થી બનાવીને સુનીલની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી.

આ માહિતી મળતા એસપી ઝાલા સરે એક યોજના બનાવી. તે પ્રમાણે ઈન્સ્પેક્ટર વી પી બારડને લગ્ન નોંધણી અધિકારી બનાવીને તેને જંગલમાં જવાનું કહ્યું. ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા. પરંતુ સુનીલ ચાલાક હોવાથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી તેને ગોતવામાં રાત થઈ જતા પોલીસે સર્ચ લાઈટ મંગાવી તથા નાઇટ ડ્રોન દ્રારા સુનીલની તપાસ હાથ ધરી હતી.

ત્યાર બાદ સુનીલના સ્થાનની જાણ થઈ હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે આંબાવાડી વિસ્તારમાં છે. તેથી પોલીસ તથા ગ્રામજનોએ તેને ઘેરી લીધા હતા. સવાર થતાં પોલીસની ઘેરાબંઘીથી કંટાળીને સુનીલે સગીરાને છોડી દીધી હતી. ત્યારબાદ પોતે પોતાના મિત્ર સાથે ફરાર થઈ ગયો હતો. દીકરીને વ્યવસ્થિત હાલતમાં જોઈ પરિવારજનોએ રાહતના શ્વાસ લીધા હતા. પોલીસે સુનીલની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.