યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધમાંથી આવેલા યુવકોએ આપવીતી જણાવી છે. કિમની કૈલાસ રેસિડેન્સીમાં રહેતા નિખિલ મહેન્દ્રસિંહ સોલંકી અને કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા મેઘરાજ સુરેન્દ્રસિંહ સોલંકી બન્ને મિત્રો હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા 14 મહિનાથી અભ્યાસ અર્થે યુક્રેનની રાજધાની કીવમાં રોકાયા હતા.
રશિયા યુક્રેન યુદ્ધના 13 માં દિવસે તેઓ પરત ફરતા પરિવારમાં હર્ષના આંસુ આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે ખુબજ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. કીવમાં ખુબજ ભયંકર સ્થિતિ હતી. જો ભયાનક સ્થતિ વિશે પરિવારને જણાવીએ તો તેઓ અમારી ચિંતા કરે એટલે અમે યુદ્ધની ભયાનકતા નહોતી જણાવી.
નિખિલ જણાવે છે કે જ્યારે બિલ્ડીંગ પરથી ફાઈટર પ્લેન પસાર થતા ત્યારે રૂંવાડા બેઠા થઇ જતા હતા. બોમ્બના ધડાકા અને એલર્ટ સાંભળીને હૈયું ફડફડવા લાગતું હતું. તીવ્ર ગતિથી પસાર થતા ફાઈટર જેટને કારણે મોબાઇલમાં નહિ પણ અમે લાઈવ પબજી ગેમ રમતા હોઈ એવું દ્રશ્ય અમે યુક્રેન કીવમાં અનુભવ્યું છે.
બૉમ્બ ધડાકાને કારણે અમે રહેતા એ બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. જો કે આ દરમિયાન સ્થાનિક યુક્રેની લોકોનો સહકાર સારો રહ્યો હતો. તેમણે આ વિકટ સ્થિતિમાં અમને સહકાર આપ્યો હતો. યુક્રેન કિવની ઘટનાના દ્રશ્યો પણ ધ્રુજાવી દે તેવા છે. તેઓ કહે છે કે અમે ઘરે આવીને રાહતના શ્વાસ લીધા.
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ કહે છે કે યુક્રેન ભારતીયોને ઢાલ બને છે. તેઓ ભારતીયોને ત્યાંથી નીકળવા દેતા નથી. તેમને એવું લાગે છે કે જો ભારતીયો ત્યાં હશે તો રશિયા તેમને ઓછું નુકસાન કરશે. ભારતીયો ત્યાં હશે તો નાટો પણ મદદ આવશે એવું વિચારીને તેઓ વિદ્યાર્થીઓને બહાર નીકળતા અટકાવે છે.