અત્યાર સુધીમાં કાશ્મીરને લઈને ઘણી બધી ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ તેમાં અનોખું સ્થાન ધરાવે છે. હાલ દરેક જગ્યાએ વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની જ ચર્ચા થઇ રહી છે. જે ફિલ્મનું પ્રમોશન નાના પાયે કરવામાં આવ્યું હતું તે હવે થિયેટરમાં ઐતિહાસિક બ્લોકબસ્ટર સાબિત થઈ છે.
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને જણાવતી આ ફિલ્મે લોકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. શરૂઆતના બે દિવસોમાં ફિલ્મ મુખ્યત્વે મેટ્રોપોલિટન શહેરોના લોકોને આકર્ષિત કરતી હતી. પરંતુ હવે ફિલ્મે દેશભરના લોકોને થિયેટરોની મુલાકાત લેવાની ફરજ પાડી છે.
ત્યારે આ ફિલ્મ દરેક લોકો જુએ અને કાશ્મીરી પંડિતોની દર્દનાક કહાની વિશે લોકો જાણે એટલા માટે ગુજરાતના એક દુકાનદારે લોકોને ઑફર આપી છે. ગુજરાતના પાલનપુરમાં જલારામ નાસ્તા હાઉસ નામની દુકાન ચલાવતા મહેશભાઇએ લોકોને ફિલ્મની હકીકત જણાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. તેમણે જણાવ્યું છે કે જે કોઈપણ આ ફિલ્મ જોઈને આવશે અને ટિકિટ બતાવશે તેમને મફતમાં જલેબી ફાફડાનો નાસ્તો કરાવવામાં આવશે.
આ ઉપરાંત અંજારના નાની નાગલપર રોડ પાસે આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ટિકિટ બતાવવા પર OPD ચાર્જ અને મેડિસિન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકોનું કહેવું છે કે અમે અમારાથી થતી મહેનત કરીને ફિલ્મની જાહેરાત કરવા માંગીએ છે. જેથી કરીને દરેક લોકો કાશ્મીરી પિડિત પંડિતોની કહાનીથી વાકેફ થાય.
આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી હતી અને વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર જે વ્યવહાર કરવામાં આવતો તેની સાચી હકિકત શું હતી તે આ ફિલ્મમાં જણાવવામાં આવી છે. ત્યારે કર્ણાટક સરકાર દ્વારા આ ફિલ્મને કર મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણા સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. આ ફિલ્મના દરેક પાત્રો અને ખાસ કરીને અનુપમ ખેરના અભિનયની લોકો પ્રશંસા કરી રહ્યા છે.