ભારતના રાકેશ ઝુનઝુનવાલા શેરબજારના જાણીતા રોકાણકાર છે. તે બિગ બુલ અને ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાય છે. તેમના પિતા આવકવેરા વિભાગમાં અધિકારી હતા. રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 5000 રૂપિયાથી શરૂ કરેલા ધંધાને પોતાની મહેનત અને બુદ્ધિમતાના દમ પર 11000 કરોડ કરતા પણ વધુ ઊંચે પહોંચાડ્યો.
બિગ બુલ તરીકે જાણીતા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ ટાઇટન કંપનીનો શેર ગુરુવારે BSE ટ્રેડિંગ દરમિયાન પાંચ ટકા વધ્યો. જે વધીને 2,718.65 રૂપિયા પર પહોંચ્યો હતો. આ પહેલા 2,687.30 રૂપિયા ભાવ હતો. ટાટા ગ્રુપની આ કંપની જ્વેલરી અને ઘડિયાળનો વેપાર કરે છે.
ઝુનઝુનવાલા અને તેમના પરિવારના પોર્ટફોલિયોમાં આ સૌથી મોટો સ્ટોક છે. આમાં તેમનું રોકાણ ઘણા કરોડ રૂપિયાનું છે. 31 ડિસેમ્બર સુધીમાં ઝુનઝુનવાલાની કંપનીમાં 4.02 ટકા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાની પાસે 1.07 ટકા હિસ્સો હતો. બંને મળીને ટાઇટનમાં 5.09 ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીનું માર્કેટ કેપ 2.38 લાખ કરોડ રૂપિયા છે અને આ સંદર્ભમાં ઝુનઝુનવાલા દંપતીના શેરની કિંમત 12,187 કરોડ રૂપિયા છે. આ શેરમાં છેલ્લા છ મહિનામાં લગભગ 30 ટકા ઉછાળો આવ્યો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ લગભગ બે ટકા ઘટ્યો છે.
છેલ્લા એક વર્ષમાં તેમાં લગભગ 85 ટકા વધારો થયો છે. જ્યારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ આ સમયગાળા દરમિયાન 16 ટકા વધ્યો છે. FY22 ના પ્રથમ નવ મહિનામાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 312 ટકા વધીને 1671 રૂપિયા થયો હતો. આ સમયગાળા દરમિયાન આવક પણ 48 ટકા વધીને 20,150 કરોડ થઈ છે.