સુરતમાં કિરણ હોસ્પિટલ પાસે આવેલ એમ્બ્રોડરીના કારખાનાની દીવાલ ધરાશાયી થતા લોકો કાટમાળ નીચે દબાયા, બે વ્યક્તિના મોત

Gujarat

સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાસે આવેલ એમ્બ્રોડરીના કારખાનામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ જૂની ઇમારતની દીવાલ ધરાશાયી થતા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની જાણકારી મળી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બેને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ફાયરબ્રિગ્રેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડીને તેની નીચે કોઈ દટાયેલ છે કે નહિ તે અંગે તપાસ કરી રહી છે.

આ ઇમારત કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આવેલી છે. વર્ષો જૂની આ ઇમારતમાં સમારકામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન દીવાલ ધરાશાયી થતા લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. જો કે રીનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી.

સમગ્ર ઘટના અંગે જાણ થતા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ખુબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રીતે કોઈપણ સુરક્ષા વગર બિલ્ડિંગનું કામ કરવું યોગ્ય નથી. લોકોના જીવન જોખમે થઇ રહેલા કામ પર કડક પગલાં લેવાય તેવી હું માંગ કરીશ.

ફાયર ઓફિસર વસંતભાઈએ આ અંગે જણાવ્યું હતું કે આ કારખાનામાં 70 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. કારખાનાના માલિકે જણાવ્યું હતું કે આગળ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન દીવાલ ધરાશાયી થતા કામદારો કાટમાળ નીચે દબાયા છે. ચાર લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને બેને મૃત જાહેર કરાયા છે.

આ બિલ્ડીંગ કેટલીક જૂની છે તે અંગે કોઈ જાણકારી હાલ સામે આવી નથી. દીવાલ ધરાશાયી થતા લોકોના વાહનો પણ કાટમાળ નીચે દબાયા છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી મેયરે આ અંગે જણાવ્યું છે કે આ અંગે મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે અને જો કાયદાકીય રીતે કસૂરવાર ઠેરવાશે તો કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.