રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થી નવીને જીવ ગુમાવ્યો હતો. યુક્રેનના ખાર્કીવ શહેરમાં MBBS નો અભ્યાસ કરવા ગયેલા નવીન શેરખપ્પાએ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. યુદ્ધની સ્થતિ વચ્ચે તેનો પાર્થિવ દેહ ભારત નહોતો લવાયો. ત્યારે હાલ પરિવારજનોએ નવીનના પાર્થિવ દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે.
નવીનનો પાર્થિવ દેહ 21 માર્ચે બેંગ્લુરુ પહોંચશે. ત્યારબાદ તેને નવીનના ઘરે લઇ જવામાં આવશે. નવીનના પિતાએ જણાવ્યું હતું કે પરંપરા અનુસાર પાર્થિવ દેહની પૂજા કર્યા બાદ તેને દાવણગેરેની એસએસ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. જ્યાં તબીબી અભ્યાસ માટે નવીનના પાર્થિવ દેહનું દાન કરવામાં આવશે.
નવીનના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રને મેડિકલ ક્ષેત્રમાં કામ કરવું હતું. પરંતુ તે થઇ શક્યું નહીં. તેથી હવે તેના પાર્થિવ દેહનો મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઉપયોગ કરે તે માટે તેઓ હોસ્પિટલમાં પાર્થિવ દેહનું દાન કરવા માંગે છે. નવીન મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરવા ઈચ્છતો હતો તેથી તેનો પાર્થિવ દેહ હોસ્પિટલમાં દાન કરશે.
નવીનના પિતાએ કહ્યું કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે નવીનનો પાર્થિવ દેહ ભારત લવાયો નહોતો. ત્યારે હાલ જિલ્લા કલેક્ટર ઓફિસ અને અમીરાત ફ્લાઇટ સર્વિસ તરફથી નવીનનો પાર્થિવ દેહ લાવવા અંગેના સમાચાર મળ્યા છે. તેઓ જણાવે છે કે મુખ્યમંત્રીએ અમને વચન આપ્યું હતું કે તેઓ નવીનના પાર્થિવ દેહને ગામમાં લાવશે.
તેઓ જણાવે છે કે નવીનનો મૃતદેહ સોમવારે સવારે 3 વાગે બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી મૃતદેહ સવારે 9 વાગ્યા સુધીમાં અમારા ગામ પહોંચશે. ત્યાર બાદ પરંપરા અનુસાર પૂજા કરીશું અને પછી અમે એને જાહેરમાં લોકોનાં અંતિમ દર્શન માટે રાખીશું. આ પછી પાર્થિવ દેહને મેડિકલ અભ્યાસ માટે એસએસ હોસ્પિટલ દાવણગેરેમાં દાન કરવામાં આવશે.