આમ તો હોળીનો તહેવાર આખા દેશમાં મનાવવામાં આવે છે, પરંતુ દેશમાં એક ગામ એવું પણ છે જ્યાં 100 વર્ષથી પણ વધારે સમયથી હોળીની ઉજવણી કરવામાં આવી નથી. દુર્ગાપુર નામનું આ ગામ ઝારખંડના બોકારો જિલ્લાના કસમાર પ્રખંડમાં આવે છે.
કહેવાય છે કે આ ગામના લોકોએ છેલ્લા 100 વર્ષથી હોળીની ઉજવણી કરી નથી. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે એક સમયે અહીંના રાજા-રાણીનું મૃત્યુ થયું હતું. આના દુઃખમાં ગ્રામજનો હોળીનો તહેવાર મનાવતા નથી અને હોળીના રંગને ખરાબ શુકન માને છે. દુર્ગા પહાડીની આસપાસ વસતાં લગભગ 10,000 આદિવાસી લોકો 300 વર્ષ પછી પણ તેમના રાજા પ્રત્યે અપાર આદર ધરાવે છે. જેથી તેઓ હોળી ઉજવતા નથી.
સન 1724માં રામગઢના સેનાપતિ દલેલ સિંહ હતાં. કહેવાય છે કે તે હોળીના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળના ઝાલદાથી રાણી માટે સાડીઓ અને જ્વેલરી સહિત અન્ય સુશોભનની સામગ્રી ખરીદીને દુર્ગાપુરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન દુર્ગાપુરના રાજા દુર્ગાપ્રસાદ દેવની સેનાએ શંકાના આધારે તેને બંદી બનાવી લીધો હતો.
જેનાથી ક્રોધિત થઈને રામગઢના રાજા પોતાની સેના સાથે હોળીના દિવસે દુર્ગાપુર પર ચઢાઈ કરી હતી. આ ભીષણ યુદ્ધમાં દુર્ગાપુરના રાજા મૃત્યુ પામ્યા. રાજાના મૃત્યુના સમાચાર સાંભળી દુર્ગાપુરની રાણી પણ નદીમાં કૂદીને મૃત્યુ પામી હતી. તે દિવસથી લોકોએ હોળી મનાવવાનું બંધ કરી દીધું હતું અને આ સિલસિલો આજે પણ ચાલુ છે.