ગુજરાતના આ ગામમાં કરાઈ કૂતરાની અંતિમવિધિ, બેસણું પણ રખાયું અને બારમું પણ થશે

Story

લોકોને પશુ પ્રત્યેની જાગૃતિ આવતા આજના સમયમાં ઘણા બધા લોકો કૂતરા પાળે છે. કડી પાસેના કરણનગર ગામના વડિપાટી વાસમાં ભુરીયા બ્રહ્મચારી નામનો શેરીનો કૂતરો છે. ગામના લોકો આ કૂતરાને ખુબ પ્રેમ કરે છે. ત્યારે હાલ સાત વર્ષના આ કૂતરાનું કુદરતી રીતે મોત નીપજ્યું છે. ત્યારે ગ્રામજનોએ આ શ્વાનની અંતિમવિધી કરી હતી.

ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ આ કૂતરાનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની તસ્વીરની બાજુમાં આ શ્વાનની તસ્વીર રાખવામાં આવી હતી. ગામના લોકોએ અહીં આવીને તેને પુષ્પાંજલિ અર્પણ કરી તથા મહિલાઓએ રામધૂન સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. આ શ્વાન સાથે ગામના લોકોની લાગણી જોડાયેલી હતી.

ભુરાભાઈ બ્રહ્મચારી નામનો આ શ્વાન ગામના કે બહારગામના લોકો સામે ક્યારેય પણ ઘુરક્યા કરીને ભસ્યો નથી. સામન્ય રીતે કૂતરા કરડતા હોય છે પરંતુ આ શ્વાને કોઈને નથી બચકા ભર્યા કે નથી કરડ્યો. આ ગામના લોકોએ જણાવ્યું હતું કે માનવજાત માટે તેના આત્માના કલ્યાણ માટે જેમ બારમાની વિધિ કરવામાં આવે છે તેમ આ ભુરાભાઈ માટે બારમાની વિધિ કરવામાં આવશે.

આ ગામના લોકોને ભુરીયા બ્રહ્મચારી નામના આ કૂતરા સાથે ખૂબ લાગણી હતી. લોકો આ કૂતરાને પોતાના દીકરાની જેમ સાચવતા હતા. ત્યારે તેનું કુદરતી રીતે મૃત્યુ થતાં લોકોએ તેની અંતિમવિધિ કરી અને બેસણું પણ રાખ્યું. આ તમામ બાબતો પરથી કરણનગરના લોકોની આ ભુરીયા બ્રહ્મચારી શ્વાન પ્રત્યેની અનોખી પ્રીતિ છતી થઇ હતી. દરેક લોકો આ શ્વાનને શ્રધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.