અમેરિકામાં પ્રખ્યાત 33 વર્ષીય ગુજરાતી ડોકટરને તેમની જ મર્સિડીઝ નીચે કચડીને કરપીણ હત્યા કરી દેવામાં આવી. આ ડોકટરનું નામ રાકેશ પટેલ છે. તેઓ અમેરિકાના પ્રખ્યાત ડોક્ટર છે. ગત 8 માર્ચે અમેરિકન સમય મુજબ રાત્રે 8 વાગ્યે રાકેશ પટેલને તેમની જ કાર નીચે કચડીને હત્યા કરી નાખવામાં આવી. આ દુઃખદ ઘટના રાકેશ પટેલની પ્રેમિકા રશેલ લિંકને તેમની નજર સામે જોઈ હતી.
રાકેશ પટેલ ગત પોતાની પ્રેમિકાને પેકેજ આપવા માટે બહાર નીકળ્યા હતા. તેઓ પોતાની મર્સિડીઝ કાર લઈને પ્રેમિકા પાસે ગયા હતા. તેઓ કારમાંથી બહાર નીકળીને પ્રેમિકાને ગળે મળ્યા તે સમયે બે અજાણ્યા વ્યક્તિ તેમની કાર લઈને ભાગી રહ્યા હતા. જેથી રાકેશ પટેલ પોતાની કાર લેવા માટે દોડ્યા અને માંડ માંડ કારની આગળ આવ્યા.
પરંતુ આ શખ્સોએ ગાડી ઉભી રાખી નહિ અને રાકેશ પટેલને તેમની જ કાર નીચે કચડીને કરપીણ હત્યા કરી નાખવામાં આવી. રાકેશ પટેલની પ્રેમિકા રશેલ લિંકને જણાવ્યું કે તેમની નજર સામે જ પ્રેમી રાકેશને કાર નીચે કચડી નાખવામાં આવ્યા. જો કે તુરંત જ રાકેશ પટેલને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
રાકેશ પટેલ વોશિંગ્ટન હોસ્પિટલ સેક્ટરમાં ડોક્ટર તરીકે કાર્યરત છે. તેમના પિતા પણ ડોક્ટર છે. તેમના પિતાએ કહ્યું કે મારા દીકરાનો જીવ કોઈ કારણ વગર લેવામાં આવ્યો છે. માતા ચારુલતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ પોતાના દીકરાને બેબી કહીને બોલાવતા હતા. તેમણે કહ્યું કે તેમના દીકરાનો કોઈ વાંક નહોતો. માત્ર એક કાર માટે તેમના દીકરાનો જીવ લેવામાં આવ્યો.
વોશિંગટન પોલીસે રાકેશના હત્યારાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજુ સુધી કાર ચોરો અંગે કોઈ માહિતી સામે આવી નથી. જેથી પોલીસે કાર ચોરો અંગે માહિતી આપનારને 25 હજાર ડોલર એટલે કે 19,13,155 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. જો કે ચોરી થયેલી કાર મળી આવી છે. પરંતુ ચોર અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.