પાકિસ્તાનમા ધર્મ પરિવર્તનનો વિરોધ કરતી 18 વર્ષીય હિંદુ યુવતીની હત્યા, મુસ્લિમ યુવક લગ્ન કરવા કરી રહ્યો હતો દબાણ

World

પાકિસ્તાનમાં રહેતી હિન્દૂ યુવતીને ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા ગોળી મારીને હત્યા કરી નાખી. આ ઘટના સિંધ પ્રાંતના સુક્કુર જિલ્લાની છે. જ્યાં ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા સોમવારે 18 વર્ષીય હિંદુ યુવતીને માથામાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી. યુવતીનું નામ પૂજા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે નિષ્ફળ નીવડ્યો હતો. ત્યારબાદ માથામાં ગોળી ધરબીને તેની હત્યા કરતા ચકચાર મચી ગયો. સ્થાનિક પોલીસ દ્વારા યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તથા હથિયાર પણ જપ્ત કરી લીધું છે.

મળતી માહિતી અનુસાર આરોપીનું નામ વાહિદ છે. જે પૂજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જેથી તે પૂજાનું અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો. જો કે તેમાં નિષ્ફળ રહેતા તેણે પૂજાને ગોળી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ અંગે વાત કરતા યુવતીના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ તે કેસોમાં યુવતીએ પોતાની મરજીથી કે ડરીને ઇસ્લામ ધર્મ અપાવી લીધો હતો. જયારે મારી પુત્રીએ લગ્ન અને ધર્મ પરિવર્તનનો ઇન્કાર કર્યો હોવાથી તેની હત્યા કરવામાં આવી.

પૂજાના પિતાએ જણાવ્યું કે આરોપી છેલ્લા ઘણા સમયથી મારી દીકરીને હેરાન કરી રહ્યો હતો. ઉપરાંત જબરદસ્તી ઘરમાં ઘૂસીને બબાલ કરતો હતો. જેથી અમે સ્થાનિક પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પરંતુ અમને કોઈ જાતની સુરક્ષા આપવામાં આવી નહીં. જેથી મારી દીકરીને જીવ ગુમાવવો પડ્યો.

પરિવારજનોએ પૂજાના મૃતદેહને નેશનલ હાઇવે પર મૂકીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેથી બે કલાક સુંદગી હાઇવે જામ થઇ ગયો હતો. પાકિસ્તાનમાં અવારનવાર ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવે છે. જેમાં તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. હાલ આવા કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.