સુરતમા થોડા સમય પહેલા બનેલા ગ્રિષ્મા હત્યાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારે હાલ વડોદરામાંથી સનસનાટીભર્યા સમચાર સામે આવ્યા છે. જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડોદરામાં ગત મંગળવારે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષીય યુવતીની બેરહમીથી હત્યા કરતાં ચકચાર મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે કલ્પેશ નામના યુવકે 19 વર્ષીય યુવતીને પાળિયાના 10 કરતા પણ વધારે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યારાએ 19 વર્ષીય યુવતીનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો. ઉપરાંત યુવતીને માથામાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યારા કલ્પેશ તૃષાની બેરહમીથી હત્યા કરીને તેના જ દુપટ્ટાથી લોહીવાળું પાળિયુ સાફ કર્યું હતું.
વડોદરાની તૃષા અને સુરતની ગ્રીષ્મા સાથે એક મહત્વનું જોડાણ છે. મૃતક તૃષાના માતા ઉર્વશીબહેને દીકરીની હત્યા બાદ વલોપાત કરતા જણાવ્યું હતું કે તે મારી દીકરી નહિ પણ મારો દીકરો હતો. તે પીએસઆઈ બનીને દેશની સેવા કરવા માંગતી હતી પરંતુ હત્યારાએ મારી દીકરીના તમામ સપના રોળી નાખ્યા. ગ્રિષ્મા પણ અધિકારી બનીને દેશની સેવા કરવા માગતી હતી ત્યારે તૃષાની માતાએ પણ ખુલાસો કર્યો છે કે તૃષા ભણીગણીને દેશની સેવા કરવા માંગતી હતી.
તૃષાની માતા જણાવે છે કે મારી દીકરી મારી સાથે મિત્રની જેમ રહેતી હતી અને મને દરેક વાત કરતી હતી. જ્યારે સુરતમાં ગ્રીષ્માની હત્યા થઈ ત્યારે મેં તૃષાને સાવચેત રહેવા કહ્યું હતું ત્યારે મારી દીકરીએ કહ્યું હતું કે મમ્મી તું ચિંતા ના કરીશ. હું ભણીગણીને પીએસઆઈ બનીશ અને દેશની સેવા કરીશ. હત્યારાએ મારી દીકરીના સપના રોળી નાખ્યા.
તૃષાની માતા વલોપાત કરતા કહે છે હત્યારાને મને સોંપી દો. હું એને હાથ પગ કાપીને એને સજા આપી દવ. વ્હાલસોયી દીકરીને ખોયાનુ દુઃખ તૃષાની માતાને સતાવી રહ્યું છે. ગુજરાતમાં સતત આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે માસૂમ તૃષાના પિતા કહે છે કે હત્યારાને જલ્દીથી ફાંસીની સજા આપો જેથી મારી દીકરી સાથે જે થયું તે બીજી દીકરી સાથે ન થાય. અન્ય કોઈ દીકરીને આ રીતે ભોગ ન બનવું પડે તે માટે હત્યારાને જલ્દીથી ફાંસીની સજા થવી જોઈએ.