સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ તે સાચું છે કે જો કંઈક કરવાનું ઝુનુન અને દ્રઢ નિશ્ચય હોય તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષા ખુબ કઠિન હોય છે. ત્યારે એક બસ કંડક્ટરની દીકરીએ આ પરીક્ષા પાસ કરીને દરેક માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
હિમાચલ પ્રદેશના ઉનાના એક નાનકડા ગામમાં રહેતા થથલના રહેવાસી શાલિની અગ્નિહોત્રીએ પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષામાં 285મો રેન્ક મેળવીને આઇપીએસ અધિકારી બન્યા છે. શાલિની અગ્નિહોત્રી કહે છે કે તેઓ એકવાર પોતાની માતા સાથે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ માતાની સીટની પાછળ હાથ મૂક્યો હતો.
જેના કારણે તેઓ આરામથી બેસી શકતા નહોતા. માતાના વારંવાર કહેવા છતાં પણ તે વ્યક્તિએ તેનો હાથ હટાવ્યો ન હતો. ઉપરાંત કહ્યું હતું કે તમે ડીસી છો કે બધા તમારી વાત સાંભળશે. આવી સ્થિતિમાં શાલિનીએ નક્કી કર્યું કે એક દિવસ તે મોટી ઓફિસર બનશે. શાલિની અગ્નિહોત્રીએ 10મા ધોરણનીની પરીક્ષામાં 92 ટકા મેળવ્યા છે. જયારે 12 ધોરણમાં માત્ર 77 ટકા મેળવ્યા હતા.
તેઓ જણાવે છે કે પરિવારના સભ્યોએ શાલિનીને પ્રોત્સાહિત કરી અને આગળ અભ્યાસ માટે પ્રેરિત કર્યા. તેમણે હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટી, પાલમપુરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે યુપીએસસીની તૈયારી કરી. વર્ષ 2011માં શાલિની અગ્નિહોત્રીએ યુપીએસસીની પરીક્ષા આપી અને 2012માં તેમનું પરિણામ આવ્યું.
શાલિની ઓલ ઈન્ડિયામાં 285મો રેન્ક મેળવીને આઈપીએસ ઓફિસર બન્યા. શાલિનીના પિતા રમેશ અગ્નિહોત્રી બસના કંડક્ટર હતા. પરંતુ તેમણે પોતાના બાળકોને ભણાવવામાં કોઈ કસર છોડી ન હતી. જેનું પરિણામ એ આવ્યું કે શાલિની આઈપીએસ ઓફિસર છે, જ્યારે તેમની મોટી બહેન ડોક્ટર છે અને ભાઈ એનડીએની પરીક્ષા પાસ કરીને સેનામાં મોટા ઓફિસર છે. તેમના પિતાએ સખત મહેનત કરીને પોતાના બાળકોને ભણાવ્યા.