કહેવાય છે કાનૂનના હાથ લાંબા હોય છે. ત્યારે સુરત પોલીસે કુખ્યાત આરોપી સજ્જુને પકડીને આ કહેવત સાચી સાબિત કરી છે. સુરત પોલીસે આરોપી સજ્જુને પકડવા માટે સતત ત્રણ કલાક સુધી પાંચ માલની બિલ્ડીંગ ફેંદી. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રૂમમાંથી આરોપી સજ્જુને પકડી પાડયો અને કોર્ટમાં રજૂ કર્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી માથાભારે સજ્જુ ભાગી ગયો હતો. ત્યારે ગત શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સજ્જુને પકડી પાડયો. આરોપીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો.
પોલીસની ટીમને બાતમી મળતા તેઓ તુરંત સજ્જુનાં ઘરે પહોંચ્યા અને સજ્જુ ક્યાં છે તેમ પૂછ્યું. પરંતુ તેના ઘરેથી સજ્જુ ઘરે નથી આવ્યું તેવું કહેવામાં આવ્યું. ત્યારબાદ પોલીસની ટીમે સજ્જુને પકડવાનું મિશન શરૂ કર્યું. પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો.
સજ્જુ તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે બપોરે 1 વાગ્યે જ ટીમ તૈયારી કરી અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પોલીસ જવાનો 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા. પરંતુ કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં.
પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી. ત્યારબાદ શોકેસની બાજુમાં લાકડાના દરવાજા જેવું દેખાતા પોલીસે તેને ધક્કો માર્યો પરંતુ દરવાજો ખુલ્યો નહીં. પોલીસને શંકા ગઈ કે જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું પણ દરવાજો ખોલ્યો નહીં.
અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો. અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. તેને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો. આમ આખુ ઓપરેશન સાંજે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. કુખ્યાત આરોપી સજ્જુને પોલીસે રંગે હાથ પકડી પાડયો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.