ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઇમ વધી રહ્યા છે. ગુજરાત પોલીસની કડક સતર્કતા હોવા છતાં પણ કેટલાક અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા. ત્યારે હાલ અમદાવાદમાંથી એક ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના શાહીબાગમાં રહેતા જમીન દલાલના ઘરે આવીને ધોળા દિવસે મારામારી કરી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો સામે આવ્યો છે.
અમદાવાદના શાહીબાગમાં રહેતા મનીષભાઈ જમીન દલાલ છે. ચાર વર્ષ પહેલા તેમણે હેમુ અને પુનિત નામના વ્યક્તિ સાથે પૈસાની તકરારમાં સમાધાન કર્યું હતું. જયારે ગઈ કાલે આ તકરારને લઈને હેમુ નામનો યુવક મનીષ દલાલના ઘરે આવી પહોંચ્યો હતો અને મનીષ દલાલનો કોલર પકડીને તેને કહ્યું હતું કે જો તું અમારી વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું.
મનીષ દલાલ આ ઘટનાને લઈને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. આ દરમિયાન તેની પત્નીનો કોલ આવ્યો હતો કે હેમુ તેના સાત મિત્રોને લઈને ઘરે આવ્યો છે અને તોડફોડ કરી રહ્યા છે. ત્યારબાદ મનીષ દલાલ તુરંત ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારે જતા જતા હેમુ નામના વ્યક્તિએ ધમકી આપી હતી કે આ વખતે તમે બચી ગયા પરંતુ હવે મારામાં દખલગીરી કરશો તો જાનથી મારી નાખીશ.
આ સમગ્ર ઘટના દરમિયાન સિક્યોરિટી ગાર્ડ વચ્ચે આવતા તેમને પણ ડંડો વાગ્યો હતો. મનીષ દલાલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. જેના આધારે શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.