સુરત સૌથી ઝડપથી વિકાસ કરતું શહેર છે. દાનવીર કર્ણની નગરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં સૌથી આગળ છે. કર્ણની જેમ જ સુરતની પ્રજા પણ દુનિયામાં એમના ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. સુરતની ધરતી સાથે એક એવું રહસ્ય જોડાયેલું છે કે અહીં જે કોઈ વસવાટ કરવા માટે આવે છે સેવાભાવી બની જાય છે.
સુરતના નાના મોટા વેપારી હોય કે પછી ધાર્મિક સામાજિક સંગઠનોપણ જયારે પણ સુરત પર આપત્તિ આવી છે ત્યારે દાતાઓ મદદ માટે તુરંત આગળ આવ્યા છે. એ પછી કોવિડ, પ્લેગ કે પૂર કંઈપણ હોય દાતાઓએ પોતાનો ભંડાર ખોલી દીધો છે અને લોકોની મદદ કરી છે. સુરતના લોકો દર વર્ષે 100 કરોડથી પણ વધારે દાન કરે છે.
માત્ર પૈસા જ નહીં પણ સુરતીઓ તો અંગદાન કરવામાં પણ મોખરે છે. છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી 60 હાર્ટ ડોનેટ કરવામાં આવ્યા છે. જેથી લોકોને જીવનદાન મળ્યું. સુરતનું પીપી સવાણી ગ્રુપ છેલ્લા 9 વર્ષથી સંચાલિત ડાયાલિસિસ સેન્ટરમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર આપી રહ્યું છે. એ સાથે જ તેમના દ્વારા દર વર્ષે પિતા વિહોણી 300થી વધુ દીકરીઓનાં લગ્ન કરાવાય છે.
એસઆરકે ગ્રુપ ધ્વરા દર વર્ષે કરોડોનું દાન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 14 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા હાલમાં જ સંગમ 311 હનુમાનજીના મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સુરતીઓ દાન કરે છે. એસઆરકે ગ્રુપ દ્વારા નાગાલેન્ડમાં એક કરોડના ખર્ચે ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું.
સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા સંસ્થા છેલ્લા 37 વર્ષમાં કુલ 62 સમૂહલગ્ન યોજી 5110 યુગલો પ્રભૂતામાં પગલાં પડાવી ચુકી છે. ઉપરાંત 1000થી વધુ વિધવા બહેનોને નિયમિત સહાય અપાય છે. માત્ર એટલું જ નહિ જય જવાન નાગરિક સમિતિ થકી 360 શહીદ જવાનોના પરિવારને 5.37 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.
મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને સહાય આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ભારતના શહીદ જવાનોના દરેક પરિવારને 2.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ 370 જેટલા જવાનોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી છે. જેના માટે સંસ્થાએ 9 કરોડથી વધુ ખર્ચ કર્યો છે. સંસ્થા દ્વારા સન્માન સમારોહ યોજીને શહીદના પરિવારના સભ્યોને સુરતમાં બોલાવી તેમનું સન્માન કરીને સહાયતા રાશિ અર્પણ કરવામાં આવે છે.
આવી તો ઘણી 15000 જેટલી સંસ્થાઓ છે જે સેવાના કર્યો કરી રહી છે. સુરતીઓ જયારે જયારે પણ દેશકાળ આવ્યો છે ત્યારે એક થઈને લડયા છે અને હંમેશા એકબીજાની લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દાન સુરતમાંથી કરાયું છે.
અયોધ્યાની પાવન ધરા પર થઇ રહેલા રામ મંદિરના નિર્માણ માટે કારણ ભૂમિ સુરતમાંથી 22 કરોડનું દાન કરવામાં આવ્યું છે. જેમાં ગોવિંદભાઇ ધોળકિયા દ્વારા 11 કરોડનું દાન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાયમંડના એક વેપારીએ પણ 5 કરોડનું દાન કર્યું છે જયારે બિલ્ડર લવજીભાઈ બાદશાહે પણ 2 કરોડનું દાન કર્યું છે. આ ઉપરાંત દરેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે દાન કર્યું છે.