સમય બદલાઈ રહ્યો છે. હવે લોકો ઈમાનદારીને છોડીને ભ્રષ્ટાચાર તરફ આગળ વધી રહ્યા છે. આજના સમયમાં ઈમાનદાર લોકો ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે આજે અમે તમને સૌરાષ્ટ્રના એક એવા ઈમાનદાર અધિકારી વિશે જણાવીશું જેનું નામ આજે પણ લોકોના કાનમાં ગુંજી રહ્યું છે. આ જાંબાઝ આઇપીએસ અધિકારીના નામ માત્રથી ગુનેગારો થર થર કાંપતા હતા.
સૌરાષ્ટ્રના જાંબાઝ આઇપીએસ અધિકારી સુખદેવ સિંહ ઝાલા વિશે મોટા ભાગના લોકો જાણતા હશે. જ્યારે પણ ઈમાનદાર ઓફિસરની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રના લોકોના મુખમાં આજે પણ સૌથી પહેલા ઝાલા સાહેબનું નામ આવે છે. તેઓ પોતાની ફરજ બજાવતી વખતે ગેરકાનૂની ધંધા રોકવા માટે સખત પ્રયાસ કરતા હતા અને ગુનેગારને કડકમાં કડક સજા આપતા હતા.
પોલીસ વિભાગમાં એક સમયે એવો હતો કે જ્યારે સુખદેવ સિંહ ઝાલાનું માત્ર નામ સાંભળતા જ ગુનેગારોના પગ ધ્રુજવા લાગતાં હતાં. તેમણે પોતાના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક નિર્દોષ વ્યક્તિની મદદ કરી છે. તેઓ સામે કોઈપણ સંબંધી હોય પણ જો કાનૂની નજરમાં તે ગુનેગાર હોય તો તેને કડકમાં કડક સજા આપી છે. તેમની ઈમાનદારીની ગાથા આજે પણ લોકો ગાઈ રહ્યા છે.
સુખદેવ સિંહ ઝાલા લખતર તાલુકાના ઝંમર ગામના વતની છે. તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના જામનગરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની ફરજ બજાવતા વય મર્યાદાને
કારણે નિવૃત્ત થયા અને ત્યારબાદ પોતાના વતન પરત ફર્યા. નિવૃત્ત થયા બાદ તેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે. તેઓ હાલ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે.
ઝાલા સાહેબે અત્યાર અધિકારી પદ પર કાર્ય કરીને દેશની ફરજ તો બજાવી જ છે પરંતુ નિવૃત્ત થયા બાદ તેઓ ગામના લોકો માટે સેવા કરી રહ્યા છે. ઝાલા સાહેબ હાલ સુરેન્દ્ર નગર રહે છે પરંતુ તેઓ સુરેન્દ્રનગરથી પોતાના ગામ આવે છે અને પોતાના ગામની તળાવની પાળે વૃક્ષો વાવે છે. તેમણે અત્યાર સુધી 10000 જેટલા વૃક્ષો ઉગાવ્યા છે. તેઓએ નિવૃત્તિ બાદ પણ કાર્ય કરીને લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુખદેવ સિંહ ઝાલાએ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ ખાખી વર્દી ઉતારીને ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે. તમને જણાવી દઇએ કે તેમણે મૃત્યુ બાદ પોતાનો મૃત દેહ જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજને સોંપી દેવાનો સંકલ્પ જાહેર કર્યો છે. ઈમાનદાર અધિકારી ઝાલા સાહેબ પોતાના અંગોનું પણ દાન કરી દેવા માગે છે. ઝાલા સાહેબ આજના યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. તેમની ઈમાનદારીએ સૌ કોઇના દિલ જીતી લીધા છે.