છ મહિના સુધી પોતાની જાતને રૂમમાં બંધ રાખી કરી UPSC ની તૈયારી, આજે બની આઇએએસ અધિકારી

Story

જો વ્યક્તિ ઇચ્છે તો અશક્યને પણ શક્ય કરી શકે છે. જો દ્રઢ નિશ્ચય કરવામાં આવે છે તો દરેક મુશ્કેલી સરળ લાગે છે અને દરેક મુશ્કેલી નાની બની જાય છે. પરંતુ જો મુશ્કેલી તેના પોતાના પરિવાર દ્વારા ઉભી થવા લાગે છે તો વ્યક્તિને સમજાતું નથી કે તેમને કોની વાત સાંભળવી જોઈએ. નિધિ સિવાચ સાથે પણ કંઈ આવું જ થયું હતું. ચાલો જાણીએ તેમની સમગ્ર કહાની.

હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલી નિધિ સિવાચે દસમા ધોરણ પછી એન્જિનિયરિંગમાં જવાનું મન બનાવી લીધું હતું. આ માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી. નિધિએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. એવું માનવામાં આવે છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ માત્ર છોકરાઓ માટે જ છે પરંતુ નિધિએ આ વાતને ખોટી સાબિત કરીને મિકેનિકલની ડિગ્રી મેળવી હતી.

ત્યારબાદ તેમને હૈદરાબાદની એક કંપનીમાં નોકરી મળી હતી. નિધિએ હૈદરાબાદની એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. નોકરીમાં 2 વર્ષ વિતાવ્યા બાદ નિધિએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેમણે દેશની સેવા કરવાનું વિચારી લીધું. જેના કારણે તેમણે એએફસીએટીની પરીક્ષા આપવાનું મન બનાવી લીધું હતું. નિધિએ પરીક્ષા આપી હતી અને તેની લેખિત પરીક્ષા પણ પાસ કરી હતી.

જો કે જ્યારે નિધિએ એસએસબી ઇન્ટરવ્યુમાં ભાગ લીધો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે ડિફેન્સના બદલે સિવિલ સર્વિસમાં જવા વિશે વિચારવું જોઈએ. નિધિની પસંદગી ન થઈ પરંતુ અહીંથી એમના જીવનનો એક નવો રસ્તો મળ્યો જે તેને આઈએએસના પદ સુધી લઈ જવાનો હતો. પોતાના જીવનનું યોગ્ય લક્ષ્ય જોતા જ નિધિએ યૂપીએસસીની તૈયારી માટે ખૂબ મહેનત કરી.

આપણે બધા જાણીએ છીએ કે આ પરીક્ષા એટલી સરળ નથી. જો કોઈ કોચિંગ લીધા વગર આ પરીક્ષા આપવાનું નક્કી કરે તો તે ખુબજ મુશ્કેલ છે. પરંતુ નિધિએ આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો અને કોચિંગ વગર જ પરીક્ષાની તૈયારી શરૂ કરી. જો કે પ્રથમ બે પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ તેઓ ખૂબ મજબૂત હતા.

જો કે તેમના પરિવારના સભ્યોની ધીરજ હવે સમાપ્ત થવા લાગી હતી. તેમને દીકરીના લગ્નની ચિંતા થવા લાગી હતી. આવી સ્થિતિમાં નિધિ પર લગ્ન કરવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ નિધિએ ત્રીજો પ્રયાસ તેનો છેલ્લો પ્રયાસ આપવા માટે પરિવારજનોને સમજાવ્યા. તેમણે કહ્યું કે જો તે સફળ નહીં થાય તો તેમને લગ્ન કરવા પડશે. જો કે નિધિ પાસે બીજો કોઈ રસ્તો ન હતો તેથી તેમણે આ શરત સ્વીકારી લીધી.

પરિવારજનોની શરત સ્વીકાર્યા બાદ નિધિને ખબર પડી ગઈ હતી કે હવે તેની પાસે વધારે સમય નથી. એટલા માટે જ તેમણે પોતાની એક એક સેકન્ડ તૈયારીમાં લગાવી દીધી. તમને જાણીને આશ્ચર્ય થશે કે નિધિએ યુપીએસસીની તૈયારી માટે પોતાને 6 મહિના સુધી પોતાના રૂમમાં બંધ રાખી હતી. ઘરમાં હતા ત્યારે પણ પરિવારના સભ્યો સાથે તેનો કોઈ સંપર્ક નહોતો.

તેઓ માને છે કે આવા સમયે પારિવારિક બાબતો તેનું ધ્યાન ભટકાવી શકે છે. તેમણે પોતાનો બધો જ સમય પોતાના પુસ્તકો સાથે વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોઈ પણ પ્રકારનું કોચિંગ લીધું ન હતું કે ન તો સોશિયલ ગ્રુપમાં જોડાયા હતા. અંતે નિધિની મહેનત ફળીભૂત થઈ અને તેમને ત્રીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 83મો રેન્ક મળ્યો. આ સાથે જ નિધિનું સપનું પૂરું થયું અને તેઓ આઈએએસ બની ગયા.

Leave a Reply

Your email address will not be published.