સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં શોક છવાયો હતો. આ કરપીણ હત્યાથી આખું ગુજરાત હચમચી ગયું હતું. આ ઘટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કલોઝિંગ આપી 16 એપ્રિલે ચુકાદો આવશે તેવું જણાવવામાં આવ્યું હતું
ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષના વકીલો દ્વારા કોર્ટમાં દલીલો ચાલુ રહી હતી. 6 એપ્રિલના રોજ બંને પક્ષોની દલીલો પુરી થતા 16 એપ્રિલે કેસની સુનવણી હતી. પરંતુ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ કોર્ટમાં હાજર ન રહેતા સુનવણી ટળી હતી. જેથી 21 એપ્રિલ એટલે કે આજે કોર્ટમાં આ કેસ અંગે અંતિમ કાર્યવાહી કરવામાં આવી.
સુરતના પસોડરા વિસ્તારમાં ધોળા દિવસે સરાજાહેર હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને આખરે સુરતની કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો. કોર્ટમાં આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ જો તેને અંતિમવાર કંઈ બોલવું હોય તો બોલવાની છૂટ આપી હતી. જો કે આરોપી ફેનિલ એક શબ્દ પણ બોલી શક્યો નહી અને દોષિત સાબિત થતા ફેનિલે મૌન ધારણ કરી લીધું.
આ કેસ અંગે અગાઉ કોર્ટમાં દલીલ ચાલી હતી. ત્યારે આજે કોર્ટમાં આરોપી ફેનિલને દોષિત જાહેર કરી સુનવણી પૂર્ણ કરવામાં આવી છે. સરાજાહેર ગળું કાપીને હત્યા કરનાર આરોપીને આખરે કોર્ટમાં દોષિત જાહેર કરાયો. જો કે હજુ સજા આપવામાં આવી નથી. જેથી આવતીકાલે આરોપીની સજા જાહેર થઈ શકે છે.