રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે હજુ પણ તાપમાનનો પારો ઉપર જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. લોકો કાળઝાળ ગરમી વચ્ચે શેકાઈ રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ગરમીના ગરમીથી બચવા માટે લોકોને લાઇટ કલરના અને કોટનના કપડા પહેરવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે.
હિટવેવને કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તાપમાનમાં વધારો થયો છે. આ વર્ષે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. આ વર્ષે એપ્રિલ માસનું સરેરાશ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહ્યું છે. ત્યારે દિવસેને દિવસે તાપમાનનો પારો ઉપર ચઢી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષમાં પહેલીવાર આ વર્ષે ગરમીનો પારો 15 માર્ચ પહેલા 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે સતત પાણી તથા જ્યુસ પિતા રહેવા માટે કહ્યું છે. ઉપરાંત બપોરેના સમયે કામ વગર બહાર ન જવા માટે સૂચના આપી છે.