ગુજરાતથી કેરી મંગાવીને મેંગો કલાકંદ બનાવે છે અજમેરના હલવાઈ, વિદેશમાં લોકો આ મીઠાઈના દીવાના છે

Story

કેરી ફળોનો રાજા છે. ઉનાળાની શરૂઆત થતાં જ સૌને કેરી યાદ આવવા લાગે છે. કેરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે નાના મોટા સૌ કોઈને પસંદ છે. ત્યારે આજે અમે તમને સ્વાદથી ભરપૂર કેરીમાંથી બનતી મીઠાઈ મેંગો કલાકંદ વિશે જણાવીશું. માત્ર અજમેરમાં જ મળતી આ મીઠાઈ સૌ કોઈને ખૂબ જ પસંદ છે.

આજથી લગભગ 57 વર્ષ પહેલા એક હલવાઈએ કેરીમાંથી અનોખી મીઠાઈ બનાવવાનો પ્રયોગ કર્યો હતો. જે આજે અજમેરની ઓળખ બની ગઇ છે. અજમેરની આ મીઠાઈ ખાવાના શોખીન વિદેશોમાં પણ છે. અજમેરના એક હલવાઈ પન્નાસિંહે લગભગ 57 વર્ષ પહેલા એટલે કે 1965માં મેંગો કલાકંદ બનાવવા માટે પ્રયોગ કર્યો હતો.

નાનકડી દુકાનથી તેમણે આ મીઠાઈ બનાવવાની શરૂઆત કરી હતી. જ્યારે આજે તેમની ત્રીજી પેઢી આ વેપાર સાથે જોડાયેલી છે. હલવાઈ પન્નાસિંહના પુત્ર અને શ્રી લક્ષ્મી સ્વીટ્સના માલિક બિનુભાઈએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે તેમના દાદા પન્નાસિંહ દૂધ વેચવાનું કામ કરતા હતા. પરંતુ દૂધનું વેચાણ ઓછું થતા દૂધ વધી રહ્યું હતું. તેથી તેમણે મીઠાઈ બનાવવાની શરૂઆત કરી.

બિનુભાઈ જણાવે છે કે તેમના દાદાએ સૌથી પહેલા દૂધ ફાડીને કલાકંદ બનાવ્યું અને ત્યારબાદ કલાકંદના સ્વાદ પર જ અનેક પ્રયોગો કર્યા. જ્યારે કેરીની સિઝન શરૂ થઈ ત્યારે તેમણે કેરી મંગાવીને એક નવી મીઠાઈ બનાવી અને તેનું નામ આપ્યું મેંગો કલાકંદ. મીઠાઇનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવ્યો. ધીમે ધીમે મેંગો કલાકંદની ડિમાન્ડ વધવા લાગી.

અજમેરમાં લગભગ 100થી વધુ મીઠાઈની દુકાનો છે. પરંતુ મેંગો કલાકંદ ખૂબ ઓછી દુકાનોમાં મળે છે. કારણ કે શહેરની માત્ર ચાર પાંચ દુકાનદાર પાસે જ મેંગો કલાકંદ બનાવનારા કારીગરો છે જેઓ મેંગો કલાકંદ બનાવવાની યોગ્ય રેસીપી જાણે છે. જોકે કેટલાક લોકોએ મેંગો કલાકંદ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ અજમેરના મેંગો કલાકંદ જેવો સ્વાદ ન આવતા તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.

હાલ હલવાઈ પન્નાસિંહની ત્રીજી પેઢી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. તેઓ વાર્ષિક દસ કરોડથી વધારે કમાણી કરે છે. તેઓ જણાવે છે કે મેંગો કલાકંદ આમ તો આખા વર્ષ દરમ્યાન તૈયાર થાય છે. પરંતુ કેરીની સિઝનમાં તેની વધારે ડિમાન્ડ રહે છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ 500 રૂપિયા પ્રતિ કિલો મેંગો કલાકંદનું વેચાણ કરે છે. તેઓ જણાવે છે કે દરરોજ લગભગ 500 થી 700 કિલો કલાકંદનું વેચાણ થાય છે અને વાર્ષિક તેઓ દસ કરોડ કરતાં પણ વધારે કમાણી કરે છે.

આજથી લગભગ 57 વર્ષ પહેલા પ્રયોગ કરીને બનાવેલી આ મીઠાઈના કારણે હલવાઈ પન્નાસિંહની ત્રીજી પેઢી વાર્ષિક દસ કરોડની કમાણી કરી રહી છે. મેંગો કલાકંદ કોઈપણ કેરીમાંથી તૈયાર થાય છે. પરંતુ અલ્ફાંઝો કેરીના ઉમદા સ્વાદને કારણે અલ્ફંઝો કેરીમાંથી તૈયાર થતો મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

તમને જણાવી દઈએ કે મેંગો કલાકંદ બનાવવા માટે ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના દેવગઢમાંથી કેરી મંગાવવામાં આવે છે. મેંગો કલાકંદની દુબઈમાં ખૂબ વધારે ડિમાન્ડ છે. ઉપરાંત અન્ય દેશોમા પણ અજમેરની મેંગો કલાકંદ ખાવાના લોકો શોખીન છે. મેંગો કલાકંદનો શ્રેય હલવાઈ પન્ના સિંહને જાય છે. હાલ તેમની ત્રીજી પેઢી મેંગો કલાકંદનું વેચાણ કરીને કરોડોની કમાણી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.