સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગત બુધવારે ગુણાતીત સ્વામીનું અચાનક મૃત્યુ થયું હતું. ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ શરૂ થઇ હતી. સ્વામીશ્રીનું અચાનક મૃત્યુ થતાં હરિભક્તોને ભારે આઘાત લાગ્યો હતો. સ્વામીની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગત બુધવારે સાંજે સાત વાગ્યા બાદ ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા થયેલ પૂછપરછમાં સામે આવ્યું હતું કે સ્વામી છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હતા. આ ઉપરાંત સ્વામી ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સંસારમાં પાછા આવવા માગતા હતા. ત્યારે ગત બુધવારે સ્વામીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
ત્યાગ વલ્લભ સ્વામી, પ્રભુ પ્રિય સ્વામી અને સેક્રેટરી સંજય દવેના નિવેદન લીધા હતા. પોલીસે પૂછપરછ કરી હતી આ દરમ્યાન સેક્રેટરીને પૂછવામાં આવ્યું હતું કે સ્વામીએ આત્મહત્યા કરી તો તેની જાણ પોલીસને કેમ ન કરવામાં આવી. ત્યારે સેક્રેટરીએ જવાબમાં કહ્યું કે ગુણાતીત સ્વામીના પરિવારજનોએ આપઘાત કર્યો હોવાનું જાહેર ન કરવા માટે વિનંતી કરી હતી.
ગુણાતીત સ્વામી મૂળ વંથલીના વતની છે. આત્મહત્યા બાદ પોલીસની એક ટીમ ગુણાતીત સ્વામીના વતન વંથલી પૂછપરછ માટે પહોંચી હતી. જો કે આ અંગે કેટલાક રહસ્યો હજુ પણ અકબંધ છે. કારણ કે સ્વામીએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી હતી તે અંગે હજુ પણ ખુલાસો થયો નથી.
જોકે એવી માહિતી સામે આવી છે કે પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. સ્વામીએ તેમના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળે ફાંસો ખાધો હતો. જો કે તેમના મોત અંગે હજુ પણ શંકાઓ ઉપજી રહી છે કારણ કે તેમણે ગળે ફાંસો ખાવા માટે જે સામાન ઉપયોગમાં લીધો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસ તપાસ ચાલુ છે.