દેશભરમાં દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા છે. ઉત્તર પ્રદેશના બાંદ્રામાં તો તાપમાનનો પારો 41.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન છે. અંગઝારતી ગરમી જોઈને સૂર્યનારાયણ દેવતા દેશવાસીઓની અગ્નિ પરીક્ષા લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અગત્યની વાત એ છે કે આ અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે તોફાની પવન સાથે માવઠાના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 મે ના રોજ રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ થશે. ગત વર્ષે મે માસમાં પ્રથમ અઠવાડિયામાં કેરળમાં પ્રિ મોન્સુનની શરૂઆત થઈ ગઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 તારીખે દરિયામાં દક્ષિણ દિશામાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. કે તેની આસપાસના વિસ્તારમાં લો પ્રેશર બનાવશે. જે માત્ર 24 કલાકમાં જ પ્રભાવશાળી બનીને આગળ વધશે. આ લો પ્રેશર 4 મે થી ત્રણ દિવસ સુધી 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે અંદમાન અને નિકોબાર તથા તેની આસપાસના વિસ્તારમાં 4 થી 7 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જો કે અંદમાન નિકોબાર ટાપુ ઉપરાંત ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ સારો થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અંદમાનમાં ઉભી થનારી સાયક્લોનિક સિસ્ટમને કારણે અંદમાન નિકોબાર ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉતરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અન્ય વિસ્તારોમાં પણ તેની અસર થઈ શકે છે. જેના ભાગરૂપે આગામી ચાર દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.