હાલના સમયમાં વિદ્યાર્થીઓ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં પણ અભ્યાસમાં ધ્યાન આપતા નથી. આપણે જોઇએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓ તો અભ્યાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે એક મજૂરના દીકરાએ દસમા ધોરણમાં રેકોર્ડબ્રેક સફળતા હાંસલ કરીને દરેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.
ગત બોર્ડે 29 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડનું દસમા અને બારમા ધોરણનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજ્યના ઘણા બાળકોએ સારા ગુણ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું. આવા આશાસ્પદ બાળકોમાંથી એક સિંગરૌલ જિલ્લાના અમન મોહમ્મદ છે. અમન મોહમ્મદે દસમાં ધોરણમાં 500માંથી 492 માર્ક મેળવ્યા છે.
જો કે અમન રાજ્યનો ટોપર વિદ્યાર્થી નથી પરંતુ જે પરિસ્થિતિમાં તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ટોપ 5 માં સ્થાન મેળવ્યું તે ખૂબ જ મોટી વાત છે. અમનની આ કહાની એ લોકો માટે પ્રેરણારૂપ છે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેઓ જીવનભર પોતાના નસીબને દોષ આપતા રહે છે. આ લોકોના દરેક સવાલનો જવાબ છે આ કહાની.
અમન ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા મજૂર છે અને માતા રેહાના પરવીન ગૃહિણી છે. તેમણે જેમ તેમ કરીને પોતાના બાળકને સ્કૂલમાં જવા માટે પુસ્તકો ખરીદી આપ્યા હતા. અમનને એક નાનો ભાઈ છે જે પાંચમા ધોરણમાં ભણે છે. તેના માતા-પિતા પણ અમનની જેમ તેના નાના ભાઈને પણ આગળ બનાવવા માંગે છે. જેથી તે પણ મોટો થઈને અમનની જેમ સફળતા હાંસલ કરી શકે.