જાણો કોર્ટનો ચુકાદો આવતા ગ્રીષ્માના પરિવારજનોએ શું કહ્યું, ફૂલ જેવી દીકરીને યાદ કરી માતાનું હૈયાફાટ રુદન

Gujarat

સુરતના પસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટના વિશે સૌ કોઈ જાણે છે. આ ક્રૂર ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા હતા. 21 વર્ષીય ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી લોકો માંગણી કરી રહ્યા હતા. ત્યારે 5 મે ના રોજ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે. કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા આપતા લોકોમાં હાશકારો થયો છે.

ગત 12 ફેબ્રુઆરીએ ફેનિલ ગોયાણી નામના યુવકે 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયા સરાજાહેર રહેંસી નાખી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને ધ્રુજાવી મૂક્યો હતો. ગ્રીષ્મા હત્યા કેસ અંગે સુરત જિલ્લા વિમલ કે વ્યાસ સાહેબની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં ગ્રીષ્મા તરફથી જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા કેસ લડી રહ્યા હતા. જ્યારે ફેનિલ તરફથી વકીલ ઝમીર શેખ કેસ લડી રહ્યા હતા.

આ કેસમાં ઘણા બધા મહત્વના પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત 190 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 105 સાક્ષીઓની જુબાની લઈ અને કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. તમામ લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા હતા. પરંતુ બચાવ પક્ષના વકીલ ઓછામાં ઓછી સજા થાય તે માટે દલીલ કરી રહ્યા હતા. જો કે ગ્રીષ્માના વકીલે પણ ધારદાર દલીલો કરી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી હતી.

આ કેસની સુનાવણી બાદ 5 મે ના રોજ આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા કરવામાં આવી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ કહ્યો છે. આરોપીને 5 હજાર દંડ સાથે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત ગ્રીષ્માના પરિવારજનોને તથા ઈજાગ્રસ્તોને વિક્ટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરી છે.

ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે ગ્રીષ્માના પરિવારજનોએ પણ આ બાબતે મંતવ્યો રજૂ કર્યા છે. ગ્રીષ્માના પરિવારજનોએ પોતાની દીકરી ખોયાનું દુખ વ્યક્ત કર્યું છે અને સાથે સાથે કોર્ટ દ્વારા મળેલા ન્યાય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે પોલીસ અને કોર્ટ તથા નેતાઓનો આભાર માન્યો છે કે તેમની દીકરીને યોગ્ય ન્યાય મળ્યો.

આ અંગે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ કહ્યું નિવેદન આપ્યું છે કે જે રીતે સજા મળવી જોઈએ તેવી સજા મળે છે. ફૂલ જેવી દીકરી ગુમાવનાર ગ્રીષ્માના પિતાએ કહ્યું કે અમને આશા હતી તે પ્રમાણે દીકરીને ન્યાય મળ્યો છે. કોર્ટે આજે તમામ દીકરીઓના હિતમાં ચુકાદો આપ્યો છે. તેમણે વકીલ, જજ, પોલીસકર્મીઓ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે ઝીણામાં ઝીણી બાબતને ધ્યાનમાં રાખીને પોતાની જવાબદારીથી વિચારીને ન્યાય આપ્યો છે. ગ્રીષ્માના પરિવારજનોએ કોર્ટના ન્યાય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.