ફેનિલને મૃત્યુદંડ આપતી વખતે જજ સાહેબે ભારતના આ બે મોટા કેસનો કર્યો ઉલ્લેખ, આ બે મોટા કેસના આરોપીની જેમ ફેનિલ પણ

Gujarat

સુરતના ચકચારી હત્યા કેસમાં 5 મે ના રોજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટના ચુકાદાની લોકો કેટલાય સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે ફૂલ જેવી માસૂમ ગ્રીષ્માની હત્યા કરનાર આરોપીને કોર્ટે દ્વારા કડક સજા થઈ. સુરતની સેશન કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા આરોપી ફેનીલ ગોયાણીને મૃત્યુદંડની સજા ફટકારી છે.

કોર્ટમાં જજ સાહેબે શ્લોક દ્વારા આ કેસનો ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કહ્યો છે. કોર્ટે કહ્યું કે દંડ આપવો એ સરળ નથી. ત્યારબાદ તેમણે આરોપી ફેનિલ ગોયાણીને પાંચ હજાર દંડ સાથે ફાંસીની સજા જાહેર કરી હતી.

ચુકાદાની શરૂઆત કરતી વખતે જજે કહ્યું કે હત્યા સમયે ગ્રીષ્મા નિસહાય હતી. ગ્રીષ્માના ગળા પર 12 ઇંચનુ ધારદાર ચપ્પુ હતું. ગ્રીષ્મા પોતાના બચાવ માટે આરોપીથી દુર જઇ રહી હતી ત્યારે તેના ગળા પર ચપ્પુથી ઘા કરવામાં આવ્યો અને લોહી વહેવા લાગ્યું. તેમણે કહ્યું કે ગ્રીષ્મા પોતાના બચાવ માટે આરોપીના પગમાં પડી ગઈ હતી છતાં પણ આરોપીને દયા આવી નહીં કે ન તો તેને કાયદાનો ડર દેખાયો.

કોર્ટે કહ્યું કે ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી. તેના પણ ઘણા બધા સપનાઓ હશે. કોર્ટે લગભગ 560 પાનાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો સાંભળતાની સાથે જ ગળું કાપીને ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલના પરિવારજનો કોર્ટમાં રડી પડ્યા હતા. આ પહેલા 22 એપ્રિલના રોજ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારબાદ 5 મે ના રોજ કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે.

ચુકાદો આવ્યા બાદ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ચુકાદો માત્ર વિડીયો આધારિત નથી. આરોપી ક્રૂર માનસિકતા ધરાવતો હતો અને તેણે ગણતરીપૂર્વક આ હત્યા કરી છે. તેમણે કહ્યું કે આરોપીએ ફ્લિપકાર્ટ પરથી ચપ્પુ ખરીદવા માટે ઓર્ડર કર્યો હતો. ઓર્ડર કેન્સલ કર્યા બાદ તેણે એક ચપ્પુ મોલમાંથી ખરીદ્યું હતું જ્યારે બીજું તેના મિત્ર પાસેથી લીધુ હતું.

કોર્ટે ગ્રીષ્માના ભાઈ અને તેના કાકા પર થયેલા પ્રહારને પણ ધ્યાને લીધા હતા. તેમણે કહ્યું હતું કે નામદાર કોર્ટે આ કેસ બાબતે આખરી હુકમ કરતી વખતે નિર્ભયા કેસ અને કસાબના મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે આ બંને કેસના આરોપીઓની જેમ આ કેસમાં પણ આરોપીને જરા પણ પસ્તાવો નથી. તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી ઝીણવટપૂર્વક તપાસ કરી કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ પણ આરોપીના ચહેરા પર ડર કે પસ્તાવાનો ભાવ દેખાયો નથી.

Leave a Reply

Your email address will not be published.