સુરતના કામરેજ વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફુલડાની જેમ ખીલેલી દીકરી ગ્રીષ્મા સાંજે સૂતી ત્યારે ક્યાં ખબર હતી કે સવારે તેની સાથે શું થવાનું છે? 12 ફેબ્રુઆરી 2022 ને શનિવારે ગ્રીષ્માના ઘરની પાસેના વિસ્તારમાં જ આ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં ગ્રીષ્માનુ ગળું કાપીને કરપીણ હત્યા કરી નાખી હતી.
આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર દેશવાસીઓના હૈયા ફફડી ઉઠયા હતા. દેશભરમાં ગ્રીષ્મમાની ચિચિયારીઓના નાદ ગુંજી રહયા હતા. એ 21 વર્ષીય યુવતીના કેટલાયે સપના હશે જે પળ ભરમાં વિખેરાઈ ગયા. પરિવારની સામે જ માસૂમ ગ્રીષ્માની લોહી વહેવા લાગ્યું. આ ઘટનાએ દરેક દીકરીના માતા પિતાને ભયભીત કરી દીધા હતા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. માસૂમ ગ્રીષ્મા પોતાના બચાવ માટે બૂમો પાડતી રહી, ગ્રીષ્માના પરિવારજનો દીકરીને બચાવવા માટે પ્રયત્ન કરતા રહ્યા. પરંતુ હત્યારાએ ગ્રીષ્માને છોડી નહિ. ગળા પર 12 ઇંચનું ચપ્પુ રાખીને આ યુવકે ગ્રીષ્માને ચીભડાંની જેમ કાપી નાખું. ભરબજારે 22 વર્ષના આ યુવકે એક દીકરીનો જીવ લઈ લીધો.
યુવતીની હત્યા કર્યા બાદ હત્યા કરનાર યુવક ફેનિલે ઘટના સ્થળ પર જ પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે માત્ર નાટક હતું. ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને 15 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ ફેનિલને પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ ફેનીલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ગ્રીષ્માની હત્યાના ત્રીજા દિવસે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જે દરમિયાન દીકરી ગ્રીષ્માને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુવાન દીકરીને ડોલીમાં જોવાના સપના જોયા હતા. પરંતુ કાળજાના કટકાને નનામિમાં જોઈને પરિવારજનો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.
આ કેસમાં સૌ પ્રથમ ફેનિલને સાથે રાખીને પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. ફેનીલની ધરપકડ થયાના માત્ર છ દિવસમાં જ કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જે સુરત ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. સજ્જડ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવી હતી.
25 ફેબ્રુઆરીના રોજ આરોપીને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ફેનીલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો રસ્તાઓ દેખાયો નહોતો. આ કેસમાં કોર્ટમાં 190 સાક્ષીઓ રજૂ કરવામાં આવેલા. જેમાથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરીને 6 એપ્રિલના રોજ સરકાર પક્ષ દ્વારા કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ આરોપી ફેનિલનુ ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. 16 એપ્રિલના રોજ આ કેસની સુનાવણી હતી. પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા 21 એપ્રિલના રોજ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી. જેમાં આરોપી ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીને દોષિત ઠેરવવામાં ગ્રીષ્માની હત્યાના વાયરલ થયેલા વીડિયોએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું છે.
આખરે 5 મે ના રોજ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. મનુસ્મૃતિના શ્લોકથી શરૂઆત કરતા જજે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી. પરંતુ આ રેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યારબાદ કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. સજા સાંભળ્યા બાદ પણ આરોપી ફેનિલના ચહેરા પર દુખનો ભાવ જોવા મળ્યો નથી. ગ્રીષ્માના પરિવારજનો સજા સાંભળીને રડવા લાગ્યા હતા અને તેમણે કહ્યું કે હવે તેમની દીકરીને ન્યાય મળ્યો છે.