સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર 21 વર્ષીય યુવતીને ચીભડાની જેમ કાપી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર દેશવાસીઓના હૈયા ફફડી ઉઠયા હતા. ત્યારે તમામ લોકો ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે એ દિવસ આવી જ ગયો જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા.
છડેચોક માસૂમ ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલને 5 મે ના રોજ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. હવે ફેનિલ ફાંસીના માંચડે ચડશે અને ગ્રીષ્માને ન્યાય મળશે. કોર્ટમાં જજે શ્લોક સાથે ચુકાદો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું દંડ આપવો સરળ નથી. પરંતુ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યારબાદ આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતાં ગ્રીષ્માના પરિવારજનો માસૂમ ફૂલ જેવી દીકરી ગ્રીષ્માને યાદ કરીને રડી પડ્યા હતા. ઉપરાંત ગ્રીષ્માના પરિવારજનોએ કોર્ટના આ ન્યાય માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટનો ચુકાદો આવતા ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કોર્ટના ન્યાયથી અમે સંતુષ્ટ છીએ.
લાડકડી બહેન ગુમાવનાર ગ્રીષ્મના ભાઈએ કહ્યું કે નજર સામે આ ઘટના જોવી ખુબજ અઘરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે અમે આ ન્યાયથી સંતુષ્ટ છીએ. અમને સરકાર તરફથી પૂરો સપોર્ટ મળ્યો છે અને કોર્ટે અમને યોગ્ય ન્યાય આપ્યો છે. તેમણે કહ્યું કે અમારા પરિવારજનોએ જે ન્યાયની આશા રાખી હતી તેવો ન્યાય અમને મળ્યો છે. અમે કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ છીએ.
કોર્ટમાં ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવ્યા બાદ તેને લાજપોર જેલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને પાક્કા કેદીને અપાતો ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને પાક્કા કેદી તરીકેનો નંબર ફાળવવામાં આવ્યો છે. ફેનિલને હવે લાજપોર જેલમાંથી કેદી નંબર 2231 ફાળવવામાં આવ્યો છે. જ્યાં સુધી ફેનિલને ફાંસીના માંચડે નહીં લટકાવાય ત્યાં સુધી તેને પાક્કા કેદી તરીકે લાજપોર જેલમાં બંધ રાખવામાં આવશે.