ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં 5 મે ના રોજ ચુકાદો આવી ગયો છે. જેમાં સુરતની સેશન્સ કોર્ટે ગ્રીષ્માનુ ગળુ કાપીને હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. આ બાદ પરિવારજનોએ કોર્ટના આ ન્યાય માટે સંતોષ વ્યક્ત કર્યો છે. જો કે કોર્ટ દ્વારા ફેનિલને ફાંસીની સજા સંભળાવતા ફેનીલ ગોયાણીના વકીલ ઝમીર શેખ ખુશ નથી.
ફેનિલના વકીલ ઝમીર શેખે જે કહ્યું તે સાંભળીને તમને નવાઈ લાગશે. તેમણે કહ્યું કે અમે કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ નથી. હવે અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરીશું. તેમણે કહ્યું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો જે વાતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સૌપ્રથમ સોસાયટી વાળા એ ફેનીલ પર પથ્થરમારો કર્યો હતો ત્યારબાદ ફેનિલે મરનાર બેનને પકડ્યા હતા.
બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે કહ્યું કે અમારી પાસે હજુ 30 દિવસનો સમય છે. અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. તેમણે કહ્યું કે મરનાર બેનના પરિવાર દ્વારા ફેનિલને વારંવાર હેરાન કરવામાં આવતો હતો અને ટોર્ચર કરવામાં આવતો હતો. જેનો રેકોર્ડ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હું આ રેકોર્ડ ઉપર લાવવા માંગું છું.
તેમણે કહ્યું તે અમે કોર્ટના જજમેન્ટને માથે રાખીએ છીએ પરંતુ અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું કહ્યું. નામદાર કોર્ટ દ્વારા ચુકાદામાં લખવામાં આવ્યું છે કે આખો રેકોર્ડ હાઇકોર્ટમાં મોકલવામાં આવશે. ત્યારબાદ જ્યાં સુધી હાઈ કોર્ટ બાહમિ ન આપે ત્યાં સુધી આરોપીને ફાંસી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ફેનિલ પર સોસાયટી વાળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પથ્થરથી બચવા માટે તેણે આમ કર્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ કેસ ફાંસીનો નથી. અમે આ માટે હાઈકોર્ટમાં અપીલ કરીશું. આમ જો ફેનીલનાં વકીલ દ્વારા નામદાર હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે તો નામદાર હાઇકોર્ટના આદેશ સુધી ફેનિલને ફાંસીએ લટકાવવામાં આવશે નહિ.
સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષિય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે હોસ્પિટલમાંથી રજા મળતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને હાલ ફેનિલ પાક્કા કેદી તરીકે લાજપોર જેલમાં બંધ છે.