ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાને ચીભડાની જેમ કાપી નાખી હતી. આ ક્રૂર ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. તમામ લોકો આરોપીને કડકમાં કડક સજા થાય માંગણી કરી રહ્યા હતા.
ત્યારે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી છે. છેલ્લા કેટલાય સમયથી દરેક લોકો આ આરોપીને કડકમાં કડક સજા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી. આરોપીને ફાંસીની સજા થતાં ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. કોર્ટે સજા સંભળાવતા ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા.
ગ્રીષ્માના ફઈએ સત્યમેવ જયતેનો નારો લગાવતા કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે. તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કોર્ટ, સુરતની જનતા અને જે કોઈએ પણ ગ્રીષ્માને ન્યાય અપાવવા માટે સાથ આપ્યો છે તે તમામનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ગ્રીષ્મા મારી ભત્રીજી હતી પણ એનાથી પણ વધારે મારી ખાસ મિત્ર હતી. આટલું બોલતાની સાથે જ તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા.
ગ્રીષ્માના કાકાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ખૂબ જ સારામાં સારો ચુકાદો આવ્યો છે. જજ સાહેબે ઝીણામાં ઝીણી વાતને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો છે. તેમણે કોર્ટે આપેલા ન્યાય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે જે ઘટના બની તે અમારા માટે ખૂબ જ દર્દનાક છે. પરંતુ ભવિષ્યમાં કોઇ પણ દીકરી સાથે આવું ન બને તે માટે જે ચુકાદો આવ્યો તે યોગ્ય છે.
ગ્રીષ્માના પરિવારજનોએ કોર્ટના ચુકાદાને યોગ્ય માન્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપીને સારામાં સારું કર્યું છે. જેથી કરીને આવનારા સમયમાં અન્ય કોઈ આવો અપરાધ કરતા પહેલા અચકાય. ગ્રીષ્માના પરિવારજનો આરોપીને ફાંસીની સજા થતાં રડી પડ્યા હતા કારણકે આજે તેમની દીકરી ગ્રીષ્માને યોગ્ય ન્યાય મળ્યો. ગ્રીષ્માના માતા તો કશું બોલી શકયા નહીં.