ગ્રીષ્માની યાદમાં તેની બહેને રડતા રડતા તેરી લાડકી ગીત ગાયુ, ગીત સાંભળીને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રડવા લાગ્યા

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરી નાખી. આ ઘટનાના પડઘા હજુ પણ સમગ્ર દેશમાં ગુંજી રહયા છે. ત્યારે આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને 5 મે ના રોજ ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. ગ્રીષ્માના હત્યારાને મૃત્યુદંડની સજા મળ્યા બાદ આજે ગ્રીષ્મા વેકરીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ કામ રદ્દ કરીને આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા સહિત અન્ય નેતાઓ અને પોલીસ કર્મચારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન તમામ નેતાઓની હાજરીમાં ગ્રીષ્માની બહેન દ્વારા ‘તેરી લાડકી..’ ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી. આ ગીત સાંભળતાની સાથે જ માહોલ ગમગીન બની ગયો હતો.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આ ગીત સાંભળીને રડવા લાગ્યા હતા. ગ્રીષ્માની બહેન પણ આખું ગીત ગાઈ શકી નહોતી અને ગ્રીષ્માના પિતાને બાથ ભરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખમાં આસું આવી ગયા હતા. ગ્રીષ્માના પરિવારજનો પોતાની ફૂલ જેવી દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. આ સાથે જ તમામ લોકો ભાવુક થઇ ગયા હતા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરતા ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ વેકરીયાએ કહ્યું કે મારી વ્હાલી દીકરી ગ્રીષ્માને આજે ખરા અર્થમાં ન્યાય મળ્યો છે જેનો અમને સંતોષ છે. પરંતુ દીકરી ગ્રીષ્મા અમારાથી દૂર જતી રહી તેનું દુઃખ કાયમ રહેશે. આ કઠિન સમયમાં ગૃહમંત્રીએ અમને સાથ આપ્યો. આ ઉપરાંત ઝડપથી ન્યાય અપાવવા માટે સરકાર અને પોલીસ કર્મચારીઓએ અમારો સાથ આપ્યો તેમનો હૃદયથી આભાર માનીએ છીએ.

સુરત શહેરના કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. જેના પડઘા સમગ્ર દેશમાં ગુંજ્યા હતા. ત્યારબાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસ અંગે કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે 5 મે ના રોજ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.