બંગાળની ખાડીમાંથી ઉછળેલુ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે વાવાઝોડાને લઈને અગત્યની જાહેરાત કરી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેથી આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે.
આ ચક્રવાતી તોફાન 75 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધશે. જેની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ઝારખંડ પર પડી શકે છે. હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડાને કારણે આગામી 48 કલાક ભારે છે.
આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. અગત્યનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ચક્રવાતને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ચક્રવાતી તોફાનને કારણે ઓડિશા પર ગંભીર અસર થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
ચક્રવાતના પગલે ઓડિશાના 18 જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો સાથે ફાયર બ્રિગેડની 175 ટીમોને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ચોમાસાની શરૂkઆત થતાં પહેલા જ ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે. 2021માં પણ ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે. ત્યારે હાલ પણ ચક્રવાતના એંધાણ વર્તાઇ રહ્યા છે.
હવામાન વિભાગે આ ચક્રવાતને પગલે લોકોને સાવચેત કર્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાક ખુબજ ભારે છે. બંગાળની ખાડીમાંથી ઉછળેલુ આ ચક્રવાતી તોફાન ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. જે આગળ વધતા તોફાની પવન ફૂંકાશે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેશે.