અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, હવામાન વિભાગે આ વિસ્તારોમાં આપ્યું એલર્ટ

Weather

બંગાળની ખાડીમાંથી ઉછળેલું ચક્રવાતી તોફાન ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. ચક્રવાતી વાવાઝોડું ટૂંક સમયમાં જ ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડી નજીક બનેલું આ લો પ્રેશર આંદામાન પશ્ચિમ વાયવ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ ભારતીય હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે ચક્રવાતી સિસ્ટમ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધવાની સંભાવના છે.

આ ચક્રવાત 10 મે ની આસપાસ જમીન સાથે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે સંભવિત ચક્રવાતી તોફાન મજબૂત થઈને અરાકન તટ તરફ આગળ વધી શકે છે. દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોની નજીક એક ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થયું છે. તે નીચા દબાણવાળા વિસ્તારમાં ફેરવાય તેવી સંભાવના છે.

સાવચેતીના પગલા રૂપે ઓડિશાના 18 જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતના કારણે જરૂર પડ્યે એનડીઆરએફ, 20 ઓડીઆરએએફ અને ફાયર સર્વિસ વિભાગની 175 ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. ઓડિશામાં ચક્રવાત અસાનીને પહોંચી વળવા વહીવટી સ્તરે બેઠકોનો દોર શરૂ થયો છે.

વાવાઝોડાને પહોંચી વળવા, લોકોને સલામત સ્થળે ખસેડવા વગેરે માટે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઇમરજન્સી ઓફિસો અને કંટ્રોલ રૂમને 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે.

એવી સંભાવના છે કે આ ચક્રવાત ઓડિશામાં ત્રાટકી શકે છે. અહીંનું વાતાવરણ પણ ધીરે ધીરે તે પ્રમાણે બદલાવા લાગ્યું છે. દરિયો ધીમે ધીમે તોફાની બનવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 36 કલાકની વચ્ચે લો પ્રેશર એરિયા બનશે. જે ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધતાં ઊંડા દબાણમાં ફેરવાશે.

મધ્ય બંગોપ સમુદ્રમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થઈ જશે અને આ સમય દરમિયાન 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી તટીય ઓડિશાની સાથે દક્ષિણ ઓડિશાના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા વિશે એલર્ટ માહિતી જારી કરી છે.

Leave a Reply

Your email address will not be published.