આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા બિઝનેસમેન અને કેટલાક અધિકારીને ત્યાં ઘણીવાર દરોડા પડતાં હોય છે. હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અલગ અલગ ટીમો ગેરકાયદેસર ખનનના કેસમાં દરોડા પાડી રહી છે. ત્યારે શુક્રવારે સવારે ઝારખંડના વરિષ્ઠ IAS અધિકારી પૂજા સિંઘલના સત્તાવાર નિવાસ સ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આઇએએસ પૂજા સિંઘલને ત્યાં શુક્રવારની સવારે લગભગ 7 વાગ્યાથી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે એક સાથે છાપેમારીની શરૂઆત કરી દીધી છે. જેમાં ઝારખંડના રાંચી, ખૂંટી, રાજસ્થાનના જયપુર, હરિયાણાના ફરિદાબાદ અને ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા, બિહારના મુઝફ્ફરનગર અને દિલ્હી NCR સહિત 18 જગ્યાએ દરોડા પાડયા છે.
રિપોર્ટ્સ મુજબ પૂજા સિંઘલના આવાસ પરથી ભારે માત્રામાં રોકડ જપ્ત કરવાની જાણકારી છે. આ પૈસા તેમના CA ને ત્યાંથી મળી આવ્યા છે. રાંચીમાં સ્થિત આ CA ના સ્થળે દરોડા દરમિયાન ED એ કુલ 19 કરોડ 31 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. એવી પણ જાણકારી સામે આવી છે કે આ કરોડો રૂપિયાને ગણવા માટે મશીન મંગાવવામા આવ્યા હતા.
રિપોર્ટ્સ મુજબ પૂજા સિંઘલના મુઝફ્ફરપુર સ્થિત મિઠનપુરના આવાસ પર EDની છાપેમારી ચાલી રહી છે. આ મકાન પૂજા સિંઘલના સસરા કામેશ્વર ઝા નું છે. તે પણ બિહાર સરકારના પદાધિકારી હતા. તેમના પુત્ર અભિષેક ઝા સાથે પૂજા સિંઘલે બીજા લગ્ન કર્યા છે. IAS પૂજા સિંઘલના પતિ અભિષેકના આવાસ પર પણ EDએ છાપેમારી કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ખુંટીમાં મનરેગામાં 18 કરોડની નાણાકીય ગેરરીતિના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અપ્રમાણસર સંપત્તિનો અને ખાણ લીઝ કેસનો સમાવેશ થાય છે. જેમાં રામ વિનોદ સિંહા નામના સેક્શન અધિકારી વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેમાં પૂછપરછ દરમિયાન પૂજા સિંઘલનું નામ આવતાં ED એ આ કાર્યવાહી કરી હતી. ED ના આ દરોડાથી સમગ્ર ઝારખંડમાં ખળભળાટ મચી ગયો છે.