બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાને જોર પકડ્યું છે. આ તોફાન રવિવારના રોજ ઉગ્ર બની વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાનું નામ આસની છે. આ ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગે ચક્રવાત આસનીને લઈને અગત્યની જાહેરાત આપી છે. દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના આ વાવાઝોડું આવતા સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાંની અસરના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. ચક્રવાત આસાની આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ વધારે તીવ્ર બની તેવી શક્યતા છે. આ વાવાઝોડું આગામી 72 કલાકમાં બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ કિનારે પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળવાની અને ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાનું અનુમાન છે. જો કે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી આ ચક્રવાતી તોફાન ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ચક્રવાતી તોફાનનું નામ આસની રાખવામાં આવ્યું છે. જેનો મતલબ ક્રોધ થાય છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં કેન્દ્રિત છે. આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માછીમારોને 10 મે થી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.