ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાસી ગયા છે. રજ્યમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. દિવસેને દિવસે તાપમાનનો પારો ઉપર ચઢી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાનના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં કરા સાથે વરસાદ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી સાંભળીને લોકો ખુશ થયા છે. પરંતુ કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે. આ આગાહીના પગલે ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના ખાંભામાં તોફાની પવન ફૂંકાયો હતો અને કરા પડયા હતા. અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. ત્યારે હાલ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.