વર્ષનું પ્રથમ વાવઝોડું અસાની દિવસેને દિવસે ઉગ્ર બનતું જાય છે. આ વાવાઝોડું પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે મંગળવારે ઓડિશાના દરિયા કિનારે દસ્તક આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું અસાની ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ઓડિશાના દરિયા કાંઠે 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની અસર ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં જોવા મળશે. વાવાઝોડું નજીક આવતા તોફાની પવન ફૂંકાશે. આ સાથે 11 થી 13 મે દરમિયાન ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચક્રવાત અસાની હાલ પૂરીથી 590 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અને ઓડિશાથી લગભગ 510 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. અગત્યનું છે કે આ વાવાઝોડું ઓડિશાના દરિયા કાંઠેથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ વળશે. ત્યારબાદ આ વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા છે.
વાવાઝોડાને કારણે આગામી 24 કલાકમાં મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અંદામાન નિકોબાર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવો વરસાદ થશે. જ્યારે ઝારખંડ, ઓડિશા, કેરળ અને તમિલનાડુમાં આવતી કાલે વરસાદનું આગમન થઈ શકે છે.
વાવાઝોડાને કારણે ભુવનેશ્વરમાં વરસાદી માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના હાવડા, કોલકત્તા અને હુગલીમા તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે. વાવાઝોડું પૂર ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે વાવાઝોડાને પગલે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાની સલાહ આપવામાં આવી છે.