બંગાળાની ખાડીમાં સર્જાયેલું અસાની વાવાઝોડું દરિયામાં ભારતના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આવી રહ્યું છે. જેના કારણે ભારતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું લેન્ડફોલ નહીં કરે.
વર્ષનું પ્રથમ વાવાઝોડું દરિયામાં તીવ્ર બનીને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દરિયાકાંઠે પહોંચે તે પહેલાં જ ઓડિશાના દરિયાકિનારે તેની અસર શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે.
હાલ આ વાવાઝોડું તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને જેમ જેમ આગળ વધશે તેમ તેમ ભારતના ભૂ ભાગમાં તેની અસર વર્તાવાનું શરૂ થશે. ઉપરાંત પવનની ગતિમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી અનુસાર આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે છે પરંતુ ભારતના ભૂ ભાગો પર ટકરાવાની અસર ઓછી છે.
અસાની વાવાઝોડું દરિયા કાંઠે ત્રાટકે તે પહેલા જ દરિયામાં જ વળાંક લેશે અને કાંઠાને સમાંતર પાણીમાં જ આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સમુદ્રમાં તીવ્ર સ્થિતિ રહેવાની સંભાવના છે. જેના પગલે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ઉપરાંત તટીય વિસ્તારોમાં પ્રવાસને લગતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાને કારણે પુરી, ભદ્રક અને અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો છે. ઓડિશાના ચાર જિલ્લાના કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. મંગળવાર અને બુધવારે કોલકાતા, હાવડા, પૂર્વીય મદીનાપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ વેધર ના જણાવ્યા અનુસાર એક તરફ બંગાળની ખાડી માં વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે બીજીતરફ અફઘાનિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે.
જેના પગલે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં સૂકા પવનો આવી રહ્યા છે. આ સુકા પવનને કારણે ગુજરાતમાં ભારે ગરમી પડી શકે છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં હજુ પણ ગરમીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ગુજરાત પર સીધી અસર થવાની કોઈ શક્યતા હાલ જણાઈ રહી નથી.