દેશભરમાં હાલ અસાની વાવાઝોડાને લઈને ચર્ચા થઈ રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરમાંથી બનેલા વાવાઝોડાએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડા વચ્ચે એક અનોખા સમાચાર સામે આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ વાવાઝોડું આવે છે, ત્યારે પ્રચંડ મોજાં ઉછળતા હોય છે. આ મોજા મોટા જહાજોને આમ-તેમ ફેંકી દે છે.
હાલ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી બીચથી એક તસવીર સામે આવી છે. જેમાં દરિયામાં સુવર્ણ રથ દેખાઇ આવે છે. આ રથ મંગળવારે સાંજે વહેતો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ રથ મ્યાનમાર, મલેશિયા અથવા થાઈલેન્ડથી વહેતો વહેતો અહી હોવાનું અનુમાન છે. પરંતુ ક્યાંથી આવ્યો છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
હાલ આ સુવર્ણ રથ જોઈને બધા ચોંકી ગયા છે. એક એવું પણ અનુમાન છે કે સુવર્ણ કલરના આ રથનો ઉપયોગ ભારતીય દરિયાકાંઠે ક્યાંક ફિલ્મ શૂટ કરવા માટે થયો હોય એવું પણ બીજી શકે છે. પરંતુ મોજા ઉછળવાને કારણે તે શ્રીકાકુલમ કિનારે આવી પહોંચ્યો હશે. દરિયામાં વહેતા રથને જોઈને સ્થાનિક ગ્રામજનો તેને દોરડાથી બાંધીને કિનારે લાવ્યા હતા.
દરિયાઈ મોજા સાથે ઢસડાઈ આવેલા આ સુવર્ણ રથનો આકાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવો છે. ચક્રવાત અસાનીની અસરને કારણે રથ ભટક્યા બાદ અહીં પહોંચ્યો હોવાનો અંદાજ છે. દક્ષિણ આંદામાન સમુદ્ર પર સૌથી પહેલા લો પ્રેશર સર્જાયું હતું. તેથી મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અથવા ઈન્ડોનેશિયા જેવા આંદામાન સમુદ્રની નજીકના કોઈ દેશમાંથી ઢસડાઈને આ સુવર્ણ રથ અહી આવી પહોંચ્યો હોવાનું અનુમાન છે.
ચક્રવાત અસાનીની વાત કરીએ તો હાલ તે પૂર ઝડપે આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું 12 મે ના રોજ નબળું પડે તેવી શક્યતા છે. જેથી ચક્રવાતી તોફાન અસાનીનો ખતરો હાલ જણાઈ રહ્યો નથી. છતાંપણ સાવચેતીના પગલે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં 13 મે સુધી તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચક્રવાત અસાની પૂર આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ આ ચક્રવાત આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં હાલ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાત આંધ્ર પ્રદેશના કાકીનાડા પહોંચ્યા બાદ વિશાખાપટ્ટનમથી પાછું વળી સમુદ્રમાં જોડાશે. જે બાદ તે દરિયાકાંઠાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ નબળું પડવા લાગશે.