આ વર્ષમાં દેશમાં ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા છે. જેથી લોકોને ગરમીથી જલ્દીથી છુટકારો મળશે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દેશમાં સમય પહેલા આવી શકે છે. હાલમાં અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની હલચલ શરૂ થઈ છે. સામાન્ય કરતા એક અઠવાડિયા પહેલા અંદામાન નિકોબારમાં હલચલ શરૂ થઈ હોવાથી કેરળમા ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.
સામાન્ય રીતે જુન 15 આસપાસ ચોમાસું શરૂ થાય છે. ત્યારે આ વખતે વહેલુ ચોમાસુ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે 2022ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. ત્યાર બાદ તે કેરળ તરફ આગળ વધશે.
સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 14 થી 16 મે દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. જ્યારે 16 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હાલમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો આકરી ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. ત્યારે ચોમાસાના વહેલા આગમનને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લોકોને આ ગરમીથી રાહત મળશે. જેઓ છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીથી ત્રાસી રહ્યા છે. ગરમીના વધારે પ્રમાણને કારણે આ વર્ષે વરસાદ સારો થશે તેવી શક્યતા છે.