દેશના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે પ્રિ મોન્સૂનની શરૂઆત, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Weather

દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે કેરળમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગે કેરળના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઉપરાંત બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચોમાસા પહેલા શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે પોર્ટ સિટી કોચીમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મે ના રોજ એટલે કે 1 જૂન પહેલા દસ્તક આપશે.

ઉલ્લેખનીય છે કે ઇડુક્કી અને એર્નાકુલમમાં રેડ એલર્ટ ચાલુ આપવામાં આવતું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહી 24 કલાકમાં 20 સેમી જેટલો વરસાદ પડી શકે છે. જેથી અહી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય 6 જિલ્લામાં 24 કલાકમાં 6 સેમીથી 20 સેમી વરસાદની સંભાવના હોવાથી ત્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દર વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂન બાદ દસ્તક આપે છે. ત્યારે હાલ 27 મેના રોજ જ કેરળમાં પ્રવેશ કરશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. અગત્યનું છે કે આગામી 17 મેના રોજ દક્ષિણ પશ્વિમ વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. તો કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ઉત્તર ભારતમાં આ દિવસોમાં સૂર્ય બળી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી થોડા દિવસોમાં હવામાન બદલાશે. જેથી લોકોને ગરમીથી છુટકારો મળશે.

ગુજરાતની વાત કરીએ તો હાલ અહી ગરમીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ વહેલા દસ્તક આપશે. ગુજરાતમાં 1 જૂન આસપાસ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published.