ગુજરાતમાં જલ્દી જ પધારશે મેઘરાજા, અરબ સાગરમાં સર્જાયું સાયક્લોનિક પ્રેશર

Weather

ભારતમાં જલ્દી ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષે દેશભરમાં ચોમાસુ વહેલા શરૂ થવા જઇ રહ્યું છે. આ સાથે જ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસુ પહોંચી ગયું છે. જેથી ત્યા ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ચોમાસુ હવે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ચોમાસુ આગળ વધે તે માટે તમામ સ્થિતિ અનુકૂળ છે. જેથી ચોમાસુ હવે આગળ વધશે. જે કેરળ આવશે. કેરળમાં ચોમાસુ સમય કરતા વહેલા પહોંચી જશે. સૌપ્રથમ કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસુ આગળ વધે છે.

આ વર્ષે કેરળમાં ચોમાસું 27 મે ના રોજ પહોંચી જાય તેવી શક્યતા છે. ચોમાસુ આગળ વધવાની સાથે સાથે આંદમાન સાગર અને બંગાળની ખાડીમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ 14 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. જ્યારે રાજ્યમાં ચોમાસુ શરૂ થવાની નિર્ધારિત તારીખ 15 જૂન છે.

ગુજરાતને અડીને આવેલા અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જો કે તે ગુજરાતથી ઘણું દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

કેરળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન કેરળની પાસે હોવાથી હાલ ગુજરાત પર તેની કોઈ અસર થવાની શક્યતા નથી. ગુજરાત પર પશ્ચિમથી આવતા પવનો જ આવશે જેને કારણે હજુ પણ સમગ્ર રાજ્યમાં ભારે ગરમી પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં હાલ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા જણાતી નથી. પરંતુ રાજ્યમાં ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ ખેડૂતો વાવણી માટે જમીન તૈયારી કરી રહ્યા છે. રાજ્યમાં કેરળ, કર્ણાટક, મુંબઈથી ચોમાસુ દક્ષિણ ગુજરાતથી પ્રવેશ કરે છે. જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે છે.

15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય છે. ત્યારબાદ જૂન માસના અંત સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લે છે. આ વર્ષે જો સ્થિતિ અનુકૂળ રહેશે તો ચોમાસુ એક બે દિવસ વહેલું શરૂ થાય તેવી શક્યતા છે. જો કે આંદામાન દ્વિપ સમૂહ તેમની બંગાળની ખાડી તરફ ભારે વરસાદ પડી શકે છે જેની અસરને પગલે કેરળ, તટીય અને દક્ષિણ કર્ણાટક, આસામ, મેઘાલય તેમજ અરુણાચલ પ્રદેશમા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે.

હાલ મજબૂત દક્ષિણ પશ્ચિમના પવનોને લીધે પૂર્વોત્તર ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આવતીકાલે મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ તરફ બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વીજળી સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગમાં હીટવેવની અસર રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published.