રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો ગરમીથી છુટકારો મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે દેશમાં સૌથી પહેલાં કેરળથી વરસાદ આવવાની શરૂઆત થાય છે. ત્યારબાદ ધીમે ધીમે તે આગળ વધશે અને 15 જૂન આસપાસ ગુજરાત પહોંચે છે. ત્યારે આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા છે. ઉપરાંત વરસાદ પણ સારો રહેશે તેવી સંભાવના છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની અગત્યની આગાહી કરી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ પૂર્વ ગલ્ફ સુધી પહોંચી ગયું છે. જે ધીમે ધીમે આગળ વધતા 10 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન બાદ વરસાદનું આગમન થાય છે. ત્યારે આ વર્ષે પાંચ દિવસ વહેલું ચોમાસું બેસે તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વાદળાં બંધાશે અને ત્યારબાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જો કે 15 જૂન બાદ સારો વરસાદ આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળશે. જેથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.
ઉલ્લેખનીય છે કે 15 જૂન સુધીમાં સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેના ભાગરૂપે રાજ્યમાં વરસાદ આવશે. આગામી 15 જૂન રાજ્યમાં સાર્વત્રિક રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે. ઉપરાંત જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના વચ્ચે 99 ટકા વરસાદ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ વહેલો શરૂ થતાં ખેડૂતો વાવણી શરૂ કરી શકશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભીમ અગિયારસ આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જશે. દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ વહેલા શરૂ થતાં ભીમ અગિયારસ સુધીમાં તો વરસાદ ભુક્કા બોલાવશે. અંદામાન નિકોબાર ચોમાસુ બેસી ગયા બાદ કેરળ પહોંચશે. ત્યારબાદ ચોમાસુ આગળ વધીને ગુજરાત આવશે. ધાર્યા કરતા વહેલું ચોમાસુ આવતા વરસાદ ભીમ અગિયારસ સુધીમાં ભુક્કા બોલાવશે.
મહત્વનું છે કે આંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી ચોમાસુ પહોંચી ગયુ છે. જો કે સામન્ય રીતે અહી 22 મે ના રોજ ચોમાસુ બેસે છે ત્યારે હાલ ચોમાસુ વહેલા પહોંચી ગયું છે. જેથી ગુજરાતમાં ચોમાસુ વહેલા આવશે. જેથી ખેડૂતો વહેલા વાવણી કરી શકશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે.