આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા લોકો નશાના બાંધણી હોય છે. આવા લોકોને પાન, માવા, ગુટખા કે કોઈપણ પ્રકારનો નશો કરવાની આદત પડી જાય છે. તેમની આ આદત એટલી હદ સુધી પહોંચી જાય છે કે જો તે આ વસ્તુનું સેવન ન કરે તો તેઓ રહી શકતા નથી અને કોઈપણ હદ સુધી પહોંચી જાય છે.
નશો કરવાની આદતમાં કેટલાક લોકો ન કરવાનું કરી બેસતાં હોય છે. આવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મામૂલી જેવા કાચી સોપારીના માવાને કારણે રસ્તા પર ખૂની ખેલ ખેલાયો. આ કિસ્સાએ લોકોને હચમચાવી દીધા છે. એક નજીવી વસ્તુ સાથેના લોકોના આકર્ષણને કારણે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.
આ કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પાન મસાલા ખાવા માટે પૈસા ન આપતા યુવક પર કટારથી હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ઈજાગ્રસ્ત યુવકના પત્ની રંજનબેનએ પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાના પતિ પર જીવલેણ હુમલો કરવા બદલ રિકીન ઉર્ફે ચકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રંજન બેનના જણાવ્યા અનુસાર દશામાનું જાગરણ હોવાથી તેઓ પોતાના સાસુ સાથે ભજન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના દિયરે આવીને જણાવ્યું કે તેમના પતિને રિકીન ઉર્ફે ચકા વાઘેલાએ કટારના ઘા મારીને લોહીલુહાણ કર્યા છે. આટલું સાંભળતા જ રંજન બહેન તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
રંજનબેનના પતિ એટલે કે ઈજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે તેઓ મિત્રોની સાથે રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રિકીન ઉર્ફે ચકો ત્યાં આવી પહોંચ્યો હતો અને કહ્યું કે મારા ઘરે દશામાનુ જાગરણ છે તો મને મસાલાના પૈસા આપ. ત્યારે યુવકે માવાના પૈસા આપવાની ના પાડતા જ ચકાએ કટારથી ઉપરા ઉપરી ત્રણવાર વાર કર્યા અને ત્યાંથી ભાગી ગયો હતો.
જો કે ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો દ્વારા યુવકને સારવાર અર્થે હસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ચકા વાઘેલા વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને આ અંગે તપાસ હાથ ધરી છે. ખરેખર લોકો એટલા નશાના બંધાણી થઈ જાય છે કે એક કાચી સોપારીના માવાને કારણે રસ્તા પર ખૂની ખેલ ખેલાયો.