લોકો બહારનું તીખું, તળેલું અને ચટપટું ખાવાનું તથા કોલ્ડ ડ્રીંક પીવાનું ખૂબ જ પસંદ કરે છે. જેથી તેઓ અવારનવાર રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોય છે અથવા તો બહારથી ખાવાનું મંગાવતા હોય છે. પરંતુ કેટલીકવાર બહારનું ખાવાનું આપત્તિજનક સાબિત થતું હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં મેકડોનાલ્ડ્સ માંથી મંગાવેલ ડ્રિંકમાં મરેલી ગરોળી નીકળી છે.
અમદાવાદમાં સાયન્સ સિટી નજીક આવેલ રેસ્ટોરેન્ટમાં ગ્રાહકોને એક કડવો અનુભવ થયો છે. એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાંથી કોલ્ડ ડ્રીંક મંગાવ્યું હતું. જેને હલાવતા તેમાં તળિયેથી મરેલી ગરોળી નીકળી હતી. આ જોઈને રેસ્ટોરન્ટમાં દેકારો બોલી ગયો હતો. આ મામલે ગ્રાહકે મેનેજર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
— Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022
આપણે જાણીએ છીએ કે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુમાંથી વાંદા, ગરોળી કે અન્ય જીવજંતુઓ નીકળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. જો કે આ બાબતે તંત્ર દ્વારા સચોટ પગલાં ન લેવાતા વારંવાર લોકો આ રીતે ભોગ બનતા રહે છે. ત્યારે હાલ કોલ્ડ ડ્રીંકમાથી ગરોળી નીકળતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકો આ બાબતે કડક પગલાં લેવા માટે માંગણી કરી રહ્યા છે.
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલ મેકડોનાલ્ડ્સમા ભાર્ગવ જોષિ અને તેનો મિત્ર મેહુલ નાસ્તો કરવા ગયા હતા. આ દરમિયાન તેમણે બર્ગર અને કોલ્ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન કોલ્ડ્રિંક હલાવતા તળિયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. આ જોઇને બંને મિત્રો તથા આસપાસના ગ્રાહકો ચોંકી ગયા હતા અને દેકારો બોલાવવા લાગ્યા હતા.
આ બાબતે ગ્રાહકે સૌપ્રથમ મેનેજરને ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજરે ગ્રાહકની ફરિયાદને ગણકારી નહી. ગ્રાહકને યોગ્ય જવાબ ન આપતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી અમદાવાદ પોલીસ અને મીડિયાવાળા દોડી આવ્યા હતા. જે બાદ ફૂડ અને ડ્રગ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી.
કોલ્ડ ડ્રીંકમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ અમદાવાદમાં ફૂડ વિભાગે તાત્કાલિક દોડી જઈને રેસ્ટોરન્ટ સીલ કરી દીધું હતું. ત્યારે કોકોકોલામાં ગરોળી કેવી રીતે આવી તે ચર્ચાનો વિષય છે. જો કે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. ઉપરાંત અન્ય રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. હાલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે.